સુરત આઈટીને વધુ રૂ. ૨૪ કરોડનું નાણું મળી આવ્યું છે. સ્ટાર જેમ્સ કે વીન, કોસીયા ગ્રુપ અને ફાલ્કન ગ્રુપ પાસેથી બે નંબરના ટ્રાન્ઝેક્શન ઝડપાયા છે. પકડાયેલી એન્ટ્રીઓમાં એક ચોક્કસ ઈન્વેસ્ટર દ્વારા જમીનોના ઉથલા કરીને કરોડો રૂપિયાની કમાણી આઈટીથી છૂપાવી હતી. વેસુના આ ઈન્વેસ્ટર દ્વારા રૂ. ૨૪ કરોડના કાળા નાણાંની કબૂલાત કરવામાં આવી છે.
• બે ભાઈઓએ પાર્સલમાંથી રૂ. ૨૩.૭૬ લાખનો માલ ઊડાવ્યોઃ પરવત પાટીયાના બે ભાઈઓએ ટ્રાન્સપોર્ટમાં આવતા પાર્સલમાંથી માલ કાઢીને બારોબાર વેચીને વેપારીઓ સાથે રૂ. ૨૩,૭૬,૮૫૮ની છેતરપિંડી કરીની ફરિયાદ પોલીસમાં થઈ છે. સાનપાડામાં રહેતા મેહુલ ધરમશી ડીઆરએલ પ્રા. લિ. નામે ટ્રાન્સપોર્ટ એજન્સી ચલાવે છે. મેહુલ સુરતમાં પરવત પાટીયામાં રહેતા અનિલ છોટાલાલ વ્યાસ અને પવન છોટાલાલ વ્યાસ નામના બે ભાઈઓએ સુરતમાં વિજયલક્ષ્મી કમ્પાઉન્ડમાં ટ્રાન્સપોર્ટની એજન્સી આપી હતી. બંને ભાઈઓએ શરૂઆતમાં એજન્સી સારી રીતે ચલાવીને મેહુલનો વિશ્વાસ સંપાદન કર્યો હતો. એ પછી બંનેએ સુરતના વેપારીઓ દ્વારા કર્ણાટક, તમિલનાડુ, વગેરે રાજ્યોના જુદા જુદા સ્થળો પર મોકલવામાં આવત પાર્સલોમાં રૂ. ૨૩,૭૬,૮૫૮ની કિંમતનો માલ કાઢીને છેતરપિંડી કરી હતી.
• ઝાઈ ગામે બે બોટ ડૂબી, તમામ ખલાસીઓનો બચાવઃ ઉમરગામ નજીકના મહારાષ્ટ્રના ઝાઈ ગામે ૨૧મી ઓગસ્ટે દરિયામાં બે બોટ મોટા ખડક સાથે અથડાઈને પાણીમાં ગરક થઈ ગઈ હતી. બોટમાં સવાર ૧૫ ખલાસીઓ રાતે મધદરિયે ફસાઈ ગયા હતા. ખલાસીઓના બચાવ માટે મુંબઇથી નેવિનું જહાજ અને હેલિકોપ્ટર મોકલવામાં આવ્યા હતા, પણ રાતના અંધકારમાં કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શક્ય બન્યું નહોતું. જોકે તમામ ખલાસીઓ અંધકારમાં સતત છ કલાક મોત સાથે જંગ ખેલીને તરાપાના સહારે ઉમરગામના દરિયા કિનારે હેમખેમ પહોંચી ગયા હતા.