સુરતઃ નવરાત્રીના લોકપ્રિયતા ફક્ત ગુજરાતીઓ પૂરતી સીમિત નથી રહી, પણ ગરબામાં ઢોલના તાલે થિરકવું એ દરેક ધર્મના અને દેશના લોકો પસંદ કરી રહ્યા છે. સુરતમાં પણ આ વર્ષે કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. ગુજરાતી હિંદુઓ સાથે અન્ય સંપ્રદાયનાં લોકો પણ ગરબાના તાલે ઝૂમી રહ્યાં છે. વ્હોરા સમાજની યુવતીઓ પણ ધર્મના વાડાથી ઉપર ઉઠીને બુરખો પહેરીને ગરબા રમી રહી છે.
વ્હોરા સમાજની યાસ્મીન રંગવાળા કહે છે કે, મને ગરબાનો બહુ શોખ છે અને એટલે જ હું ગરબા ક્લાસમાં ગરબા શીખું છું. અહીં અમે બધા એકસમાન રીતે જ ગરબા શીખીએ અને રમીએ છીએ. કોઈ ધર્મની રીતે કોઈને જોતું નથી. હું પાર્ટીપ્લોટમાં ગરબા રમું છું પણ બુરખો પહેરીને.
સુરતમાં નવરાત્રિમાં લગભગ ૧ હજાર કરતાં વધુ ખેલૈયાઓ દેશવિદેશના અને બિનહિંદુ હોય છે. અન્ય એક વ્હોરા યુવતી સમીના કહે છે કે, અમારા ગ્રુપમાં દરેક ધર્મના ખેલૈયાઓ ગરબે ઘૂમતાં જોવા મળે છે. તેમાં પણ આ વર્ષે અમારા ગરબા ક્લાસિસ દ્વારા જે પણ ફી પ્રાપ્ત થશે તેનો ઉપયોગ મૂકબધિરની પ્રગતિ માટે વાપરવાનો નિર્ણય કરાયો છે.