અમદાવાદઃ શતાવધાન પરીક્ષાને ખૂબ જ આકરી માનવામાં આવે છે. પહેલી વાર એવું બન્યું છે કે, બે સાધ્વીઓએ શતાવધાન પરીક્ષા પાસ કરી છે. સુરતમાં ૨૨ વર્ષના સાધ્વી દેવાંશીતાશ્રી મહારાજ અને ૨૫ વર્ષીય સાધ્વી વીરાંશિતાશ્રી મહારાજે આ પરીક્ષા પાસ કરી છે.
બંને સાધ્વીઓએ વેસુ જૈન શ્વેતાંબર મૂર્તિપજક સંઘના આરાધના ભવનમાં આ પરીક્ષા આપી હતી. આચાર્ય સારચંદ્ર સાગર સૂરીજી જણાવે છે કે, ઘણા ઓછા સમયની તૈયારી પછી બંને સાધ્વીઓએ શતાવધાન પરીક્ષા પાસ કરી છે. શતાવધાન પરીક્ષા એક પડકાર છે. જેમાં ૧૦૦ જુદા જુદા નામ એક સરખા ક્રમમાં યાદ રાખવાના હોય છે. શત એટલે કે ૧૦૦ અને અવધાનનો અર્થ યાદ રાખવું એવો થાય છે.
આ પરીક્ષા યાદશક્તિની ચકાસણીની છે. પરીક્ષા વખતે ઉપસ્થિત લોકોએ ૧૦૦ જેટલી જુદી જુદી વસ્તુઓ બતાવી હતી. જેમાં સાધ્વીઓએ આ તમામ ચીજોના નામ ક્રમ પ્રમાણે બોલી બતાવ્યા હતા સાથે જ લોકોએ આડા અવળા ક્રમમાં વસ્તુઓના નામ પણ પૂછ્યા હતા. તે જવાબો પણ સાધ્વીજીઓએ બોલી બતાવ્યા હતા. હાજર લોકોને નવાઈ તો ત્યારે લાગી હતી જ્યારે ઊલટાક્રમમાં બધી જ વસ્તુઓના નામ ક્રમબદ્ધ રીતે બતાવ્યા હતા. મહત્ત્વનું છે કે, ૧૦૦ નામમાં યાત્રા સ્થળના નામ, શિષ્યના નામ, સાધુના નામ, ફૂલો તદુપરાત મહાન ભારતીયોનાં નામોનો સમાવેશ થતો હતો. સવાલ અને જવાબની બાબત દોઢ કલાક જેટલા સમય સુધી ચાલી હતી. જેમાં બંને સાધ્વીએ ૭ મિનિટમાં રિપિટ કર્યાં હતાં. જૈન આચાર્યનું કહેવું છે કે યાદ તેમના શિષ્યોમાં યાદ શક્તિ વધારવા માટે તે વિવિધ ટેકનિકનો સહારો લે છે. આ પરીક્ષાને ખૂબ જ અઘરી માનવામાં આવે છે. આ પરીક્ષા સ્પર્ધકોની યાદશક્તિને ચકાસે છે. જોકે પ્રથમ વખત બે યુવાન સાધ્વીઓએ આ પરીક્ષા પાસ કરી છે.