સુરતઃ દક્ષિણ ગુજરાતનાં ખેડૂતો શેરડી ઉગાડીને માતબર કમાણી કરે છે, પરંતુ હવે તેમના માટે મુશ્કેલી શરૂ થઇ છે. આ અધધધ કમાણી થકી દેશ અને રાજ્યનાં તેઓ અન્ય ખેડૂતોમાં ઈર્ષાનું કેન્દ્ર બન્યા છે. જોકે, આ માટે તેમણે આકરી મહેનત પણ કરી છે. પરંતુ, જે રીતે દક્ષિણ ગુજરાતની ખાંડ મિલોએ શેરડીના નીચાં ભાવ જાહેર કર્યા છે એ જોતાં કદાચ હવે આ તેજીને મંદીનું ગ્રહણ લાગશે તેવી પરિસ્થિતિ ઊભી થઇ છે. ખેડૂતોને આ વર્ષે મોટાપાયે નુકસાન થશે અને આગામી દિવસોમાં કપાસ જેવા આંદોલનો થવાની સંભાવના છે.
વર્ષમાં પ્રથમ વખત દક્ષિણ ગુજરાતની સુગર ફેક્ટરીઓ સરકારે નક્કી કરેલા ટેકાનાં ભાવ ખેડૂતોને આપવામાં પાછીપાની કરી રહી છે. આ માટે જેટલું વૈશ્વિક કારણ જવાબદાર છે તે સાથે રાજ્ય તથા કેન્દ્રની નીતિ પણ એટલી જ જવાબદાર છે. ખાંડના ભાવ વૈશ્વિક સ્તરે નીચાં છે, પુરવઠો વધુ છે એ જોતા ખેડૂતોને શેરડીના ઉંચા ભાવ મળવા મુશ્કેલ છે પણ રાજ્ય સરકારે તેમાં હસ્તક્ષેપ કરવાની જરૂર છે. ૩૧ માર્ચના રોજ દક્ષિણ ગુજરાતની સુગર ફેક્ટરીઓએ શેરડીનાં ભાવ જાહેર કરતાં જ ખેડૂતોને આંખે અંધારા આવી ગયા હતાં. મિલોએ પ્રતિ ટન રૂા. ૨૫૦ થી ૭૫૦ સુધીના નીચા ભાવ જાહેર કરતાં ખેડૂતો માટે નાણાંકિય વર્ષ ૨૦૧૪-૧૫નો અંતિમ દિવસ કાળો મંગળવાર સાબિત થયો હતો. પ્રાથમિક તારણમાં એક જ વર્ષમાં ખેડૂતોને રૂ. ૭૦૦ કરોડનું જંગી નુકસાન ગયું છે.