અંક્લેશ્વર: સુરત જિલ્લા કલેકટરે ૧૫મી મેએ જણાવ્યું હતું કે, આંકડા પ્રમાણે શહેરમાંથી ૧૦ લાખ કારીગરોની હિજરત થઈ ચૂકી છે. ૪ લાખ ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના કારીગરો ટ્રેન મારફતે વતન પહોંચાડાયા છે. ૬ લાખ સૌરાષ્ટ્રવાસીઓ અને ઉત્તર ગુજરાતીઓ બસ મારફત વતન પહોંચી ચૂક્યા છે જ્યારે હજુ પણ લાખો કારીગરો વતન પહોંચવાની તૈયારીમાં છે. જોકે સુરત – ભરુચ સહિતના જિલ્લામાં જૂન માસમાં જો એકમો ઉઘડે તો આ હિજરતથી ૭.૫ લાખ કારીગરોની અછત સર્જાવવાની છે.
ભરુચ જિલ્લાના ૬૫૦૦ પૈકી હાલ ૩૭૦૦ કાર્યરત ઉદ્યોગોમાં કામ કરતા શ્રમિકો તેમજ વેપાર કરતા અંદાજે ૨.૫૦ લાખ શ્રમિકો પૈકી એક લાખ શ્રમિકોએ તો લોકડાઉનના પહેલાં બે તબક્કામાં જ વતનની વાટ પકડી હતી. લોકડાઉન ૩.૦માં જિલ્લામાંથી ઉપડેલી ૯ ટ્રેનમાં ૧૧ હજાર શ્રમિકોને વતન મોકલાયા છે જ્યારે અન્ય ૧૦ હજાર પરપ્રાંતીય શ્રમિકો વતનમાં જવા કતારમાં છે. બીજી તરફ હાલ માત્ર ૫૦ ટકા કામદારોથી જ ઉદ્યોગો ચાલી રહ્યા છે ત્યારે એક લાખથી વધુ પરપ્રાંતીયોની ઘટથી ઉદ્યોગો પર માઠી અસર પડશે. લોકડાઉન ખુલ્યા બાદ પણ ઉદ્યોગોમાં ઉત્પાદન ગ્રોથ ૫૦ ટકા થઇ જશે તેવું ઉદ્યોગકારો માની રહ્યા છે.