સુરતઃ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે કોરોના સંક્રમણના આ સમયમાં કેવા પ્રકારની મીઠાઈ ખાઈ શકાય? આ પ્રશ્નનો જવાબ ઈમ્યુનિટી બુસ્ટર મીઠાઈઓ બનાવીને અપાયો છે. કોરોનાના વધતા સંક્રમણને લઈને તહેવારો મીઠાઈ વગરના ફિક્કા ન બને તે માટે ઈમ્યુનિટી બુસ્ટર મીઠાઈઓ બનવા લાગી છે.
રક્ષાબંધનમાં ઈમ્યુનિટી બુસ્ટર મીઠાઈઓનો વકરો સારો રહ્યા પછી આખા શ્રાવણ મહિનામાં આ મીઠાઈઓનું માર્કેટ સારું જ રહેશે તેવી કંદોઈઓને ખાતરી થઈ ગઈ છે. થોડા સમય પહેલાં ઇમ્યુનિટી બુસ્ટર ખાખરા, આઈસ્ક્રિમ અને ચોકલેટ માર્કેટમાં મળતાં થયા પછી હવે રક્ષાબંધનને લઈને ઈમ્યુનિટી બુસ્ટર મીઠાઈ પણ આવી ચૂકી છે. સુરતના મીઠાઈ વિક્રેતાઓએ કહ્યું કે, અમે માર્કેટમાં એવી હેલ્ધી વાનગીઓ મૂકવા માગતા હતા કે લોકોને મીઠાઈનો સ્વાદ પણ મળે સાથે તેમની રોગપ્રતિકારક શક્તિ પણ વધે. તેથી અમે ડ્રાયફ્રૂટ્સની સાથે ફૂદીના, તુલસી, મીઠો લીમડો મિક્સ કરીને અલગ અલગ મીઠાઈ બનાવી છે. ફૂદીનો અને તુલસી ઈમ્યુનિટી વધારવા માટે સૌથી વધુ ઉપયોગી છે.
આ ઉપરાંત કોપરું, બદામ, ખજૂર અને આલુનો ઉપયોગ કરી સુગર ફ્રી મીઠાઈ પણ બજારમાં મૂકી છે. હાલમાં કોરોનાના સંકટ વચ્ચે લોકો ઈમ્યુન પાવર વધે તેવી સ્વસ્થ્યવર્ધક મીઠાઈઓની જ માગ કરે છે.