• સાપુતારામાં વાવાઝોડું - બરફવર્ષાઃ ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારની શામગહાન, બારીપાડા, નડગચોંડ, માલેગામ અને ગોટિયામાળ સહિતનાં ગામડાંઓમાં ૧૧મીએ બરફના કરાં સાથે પડેલાં ધોધમાર વરસાદ અને તોફાની વાવાઝોડાથી અનેક મકાનો તથા પ્રાથમિક શાળાઓના ઓરડાંના શેડનાં પતરાં જમીનદોસ્ત થઈ ગયા હતા. સાપુતારાના નવાગામ સહિતના ગામડાંઓમાં અમુક આદિવાસીઓના મકાનો અને માલ મિલકતને જંગી નુકસાન થયું છે.
• હાર્દિક પટેલની સભામાં પટેલોની પાંખી હાજરીઃ અનાતમ અને બેરોજગારીના મુદ્દે ભરૂચમાં ૧૪મી મેના રોજ ઝાડેશ્વરના સાંઈ મંદિરમાં આયોજિત કાર્યક્રમમાં હાર્દિક પટેલનું પટેલ સમાજ પરનું પ્રભુત્વ ઘટી ગયું હોય તેમ પટેલોની પાંખી હાજરી હતી. બસ્સો જેટલા પટેલોને સંબોધતાં હાર્દિક જિલ્લાની બેરોજગારીની સમસ્યાને વાચા આપવાનો પ્રયાસ કર્યો હતો, સાથે પોતે લડી રહેલી લડાઈમાં જિલ્લાના પટેલો અને સમગ્ર સવર્ણ સમાજને પણ જોડાવવા માટે અપીલ કરી હતી. કાર્યક્રમ માટે સમયસર મંજૂરી ના મળતાં હાર્દિકે ભરૂચ ભાજપનો ગઢ હોવાથી ઈરાદાપૂર્વક છેલ્લા સમયે મંજૂરી આપી હોવાનો આક્ષેપ કર્યો હતો.
• સિદ્ધિ વિનાયકનું રૂ. ૮૪૬ કરોડનું લોન કૌભાંડઃ સિધ્ધિ વિનાયક લોજિસ્ટિક દ્વારા 'ચાલક સે માલક' તકની લોભામણી સ્કીમમાં ટ્રક ડ્રાયવરોના ખભા ઉપર બંદૂક મૂકીને બેન્ક ઓફ મહારાષ્ટ્ર સાથે રૂ. ૮૪૬ કરોડની છેતરપિંડી કરી હતી. કેસમાં મુંબઇની એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ દ્વારા મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ગુનો નોંધીને રિકવરી તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
• દમણના લિકર કિંગ માઈકલનાં વેરહાઉસમાં ઈડીના દરોડાઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના ઇન્ટેલિજન્સ અધિકારીઓએ દમણમાંથી ગુજરાતમાં મોટાપાયે દારૂ સપ્લાય કરનાર લિકર કિંગ ગણાતા રમેશ પટેલ ઉર્ફે માઇકલ જગુભાઈ પટેલના દમણના ગોડાઉનમાં દરોડા પાડીને રૂ. ૨.૫૪ કરોડની દાણચાોરીની દારૂની બોટલો જપ્ત કરી છે. રમેશ પટેલ અને તેની પત્ની ભાનુ પટેલ સહિત અન્યો સામે સુરત ડિસ્ટ્રીક્ટ અને દક્ષિણ ગુજરાતમાં ૩૦મીથી વધુ પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે. સુરત પોલીસમાં દાખલ ગુનાની માહિતી દમણ સેન્ટ્રલ એક્સાઈઝ કમિશનર પાસે ગયા બાદ ઈડીની ટીમને સાથે રાખીને સંયુક્ત રીતે છેલ્લા કેટલાક મહિનાઓથી ખાનગી રીતે તપાસ ચાલી રહી હતી. બાતમીના આધારે રમેશનાં વેરહાઉસમાં દરોડા પડાયા હતા.