સગીરાનું અપહરણ કરીને ગેંગરેપ કરનારા ત્રણ નરાધમોની ધરપકડ

Friday 04th May 2018 05:50 EDT
 

બારડોલીઃ ૨૯મી એપ્રિલે સગીરાનું ત્રણ નરાધમોએ અપહરણ કરીને તેને રાતભર ગોંધી રાખીને તેના પર ગેંગરેપ આચરીને તેને બીજે દિવસે સવારે છોડી મૂકી હતી. એ પછી સગીરાએ ઘરે પહોંચીને પિતાને જાણ કરતાં તેમણે પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે સગીરાને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલમાં મોકલી આપી હતી અને ગુનેગારોને ઝડપીને જેલમાં ધકેલી દીધાં હતા.

બારડોલીના ગોવિંદનગરમાં રહેતા નરેશ ઉર્ફે અજય ધર્માજાવરે સગીરાને રિક્ષામાં તેના ઘરે મૂકવાનું કહ્યું હતું. નરેશ સગીરાના મહોલ્લામાં જ રહેતો હોવાથી સગીરા તેને ઓળખતી હતી. રિક્ષામાં નરેશના બીજા બે મિત્રો આકાશ અને છોટુ પણ હતા. નરેશે સગીરાને ફોસલાવીને તેનું અપહરણ કર્યું. પછી મિત્રોની મદદથી સગીરાને એક દુકાનમાં લઈ ગયો જ્યાં આખી રાત તેના પર ત્રણેયે બળાત્કાર ગુજાર્યો હતો. સગીરા બીજા દિવસે ઘાયલ હાલતમાં ઘરે આવી અને ઘરમાં સૌને જાણ કરતાં તેના પિતાએ પોલીસમાં ફરિયાદ કરી અને સગીરાનો મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યો જેમાં સગીરા સાથે ગેંગરેપ થયાનું બહાર આવતાં જ ત્રણેય આરોપીને પોલીસે ઝડપી લીધા હતા.

બારડોલી પોલીસે સી.આર.પી.સી કલમ ૧૬૪ મુજબ નિવેદન લઈ ફોરેન્સિક મેડિકલ પુરાવા એકત્રિત કરીને સગીરાને સારવાર માટે મોકલી આપી હતી. પોલીસે આરોપીઓ વિરુદ્ધ બળાત્કાર, અપહરણ અને પોસ્કો હેઠળ ગુનો નોંધી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. એ પછી ગેંગરેપની પુષ્ટી થતાં પોલીસે આરોપીઓ સામે કલમ ૩૭૬બી પણ દાખલ કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter