સુરતઃ વેસુ જૈન સંઘના ટ્રસ્ટી અને ગોપીપુરા જૈન સંઘમાં રહેતી ૧૭ વર્ષીય સ્તુતિ સચિન તેંડુલકરની ફેરારી કારમાં દીક્ષાનું મુહૂર્ત લેવા ૨૨મીએ વરઘોડા સાથે નીકળી હતી. સ્તુતિ કૈલાસનગરના મહેતા પાર્કથી નીકળી સ્નેહમિલન ગાર્ડનના વિસ્તારોમાં ફરીને કૈલાસનગર જૈન સંઘના ઉપાશ્રયમાં પહોંચી હતી.. ત્યારબાદ સંયમજીવન પર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. દરેક ગુરૂ ભગવંતોનું પૂજન કરી મુહુર્તના વધામણાં કરવામાં આવ્યા હતા.
સ્તુતિના પિતા ૧૦૦ દીક્ષા કરાવી ચૂક્યા છે
વેસુ જૈન સંઘના ટ્રસ્ટી અને ગોપીપુરા જૈન સંઘમાં નિવાસ કરતા સુરેશભાઈ શાહની 17 વર્ષીય દીકરી સ્તુતિ સંયમના માર્ગે જઈ રહી છે. પિતા સુરેશભાઈ 100 જેટલાં દીક્ષા સમારોહમાં સંચાલન કરી ચૂક્યા છે. સ્તુતિએ કહ્યું હતું કે, નાનપણથી જ શાળા કે સંઘના કાર્યક્રમોમાં સ્પીચ આપવાનો શોખ હતો. આ માટે મોટેરાઓનું માર્ગદર્શન જરૂર પડે તો લેતી હતી. ધોરણ 8માં ભણતી હતી, ત્યારે એક દીક્ષા સમારોહમાં સ્પીચ આપવા માટે સાધ્વી શ્રીયશાશ્રી મહારાજ પાસે જીવવિચાર અને વૈરાગ્યશતકના અર્થ સમજવા ગઈ હતી. તેમને વૈરાગ્યશતક અને જીવવિચારના પ્રશ્નો પુછતાં જ મનમાં મારી જીવનશૈલી સાથે સરખાવવા લાગી હતી. તેમની સાથે સંવાદ વધાર્યો તેમાં મને પણ સંયમના વિચાર આવવા લાગ્યા હતા.
દીકરીની ઈચ્છા માટે ફેરારી લાવ્યા
સંયમના માર્ગે જઈ રહેલી સ્તુતિ ડાન્સમાં માહેર હતી. ત્રણ વર્ષ પહેલા ગુજરાત રીજન દ્વારા યોજાયેલા ડાન્સ સ્પર્ધામાં તે પ્રથમ ક્રમે આવી હતી. ઉલ્લેખનીય છે કે, સુરતના રિયલ એસ્ટેટ ગ્રુપ રાજહંસનાં જયેશ દેસાઈએ સચીન તેંડુલકરની ફેરારી કાર ખરીદી હતી. ૨૦૦૨માં આ ફેરારી સચિન તેંડુલકરને ડોન બ્રેડમેનની ૨૯ સદીની બરાબર કરવા પર ફોર્મ્યુલા નંબર-૧ના ડ્રાઈવર માઇકલ સુમારકરના હસ્તે અપાઈ હતી. સ્તુતિની ઈચ્છા માટે પિતા સુરેશભાઈએ પોતાની ઈચ્છા જયેશભાઈની સામે વ્યક્ત કરતા તેમણે પોતાની ફેરારી દીક્ષા સમારોહ માટે આપી હતી.