વાપીઃ વાતાવરણમાં થઈ રહેલા નોંધપાત્ર ફેરફારને કારણે લાંબા સમયથી વાદળછાયા અને ધુમ્મસભર્યા વાતાવરણને લઈ આ વર્ષે પણ પ્રખ્યાત વલસાડી આફૂસ સહિતના કેરી પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. સતત ચોથા વર્ષે વાતાવરણના ગ્રહણને કારણે કેરીના પાકના નુકસાનને લઈ ખેડૂતોની મહેનત અને ખર્ચ માથે પડે તેમ હોવાથી ચિંતા વ્યાપી ગઈ છે. વાતાવરણમાં થયેલા ફેરફારને કારણે આંબા પર વ્યાપક પ્રમાણમાં આવેલી મંજરીઓ કાળી પડી જઈ મોરવા ખરી રહ્યા છે.
દેશ વિદેશમાં પ્રખ્યાત વલસાડ આફૂસ સહિતનો કેરીનો પાકી આ વર્ષે સારો થશે તેવી ખેડૂતોએ આશા હતી. શરૂઆતમાં એક જ તબક્કામાં જિલ્લામાં આવેલી આંબાવાડીમાં મોટા પ્રમાણમાં મંજરીઓ ફૂટી નીકળી હતી. જો કે વાતાવરણમાં આવેલા ફેરફારને લઈ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં માવઠું પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો અને માવઠા બાદ છેલ્લા ઘણા દિવસોથી દિવસ દરમિયાન બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. તો વાદળિયા વાતાવરણને કારણે કેરીના પાકને ગ્રહણ નડયું છે. વાદળિયા વાતાવરણને કારણે કેરીના પાકને ભારે નુકસાન થવાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.