નવસારીઃ શહેરમાં સાકાર થનારી નિરાલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના શિલાન્યાસ માટે આવેલા ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ સરસાણા ચેમ્બર ઓફ કોમર્સમાં હાજરી આપી ઉદ્યોગકારો સાથે પરિસંવાદ કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે હાલના સમયે કો-ઓપરેટીવ મુવમેન્ટ ખૂબ જરૂરી છે. તે કોઈ એક પક્ષ પૂરતી સિમિત રહી જાય એ અયોગ્ય છે. તેમજ સરકારે લોકોને જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પુરુ પાડીને કરવું જોઈએ.
ઉપરાષ્ટ્રપતિએ ગયા શનિવારે ચેમ્બરના ઉદ્યોગકારોને સંબોધતા જણાવ્યું હતું કે, હવે હું કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાયેલો નથી. દેશના એક મહત્ત્વના પદની જવાબદારીના કારણે હવે અમુક મર્યાદાઓ છે. રાજનીતિ છોડી દીધી છે. સીઆરભાઈની પાર્ટીને પણ છોડી દીધી છે. દેશના વિશે દેશની સમસ્યાઓ વિશે જોઈ - સાંભળી અને સ્થિતિને સમજીને તેનો વિકાસ થાય તે માટે પ્રયત્ન કરીએ છીએ. દેશમાં પરિવર્તન આવે તે માટે ચર્ચાઓ કરવી આવશ્યક છે. ઉપરાષ્ટ્રપતિ પદ્દના કારણે કેટલાક પ્રોટોકોલ નડી જાય છે પરંતુ દેશનો વિકાસ થાય તે માટે કોઈ પણ પક્ષના નેતાઓ હાય તેમણે લોકોને મળતા રહેવું જોઈએ. તેમણે કહ્યું કે લોકો ભારતમાં મૂડીરોકાણ કરવા ઈચ્છે છે. દેશમાં રહેલા સોર્સનો યોગ્ય ઉપયોગ થાય તે માટે વડા પ્રધાન મોદીએ રિફોર્મ, પર્ફોમ અને ટ્રાન્સફોર્મનું સૂત્ર આપ્યું છે.
કોરોનાના સમયમાં ખેતીમાં સૌથી વધુ ૪ ટકાનો ગ્રોથ નોંધાયો હોવાનું વેંકૈયા નાયડુએ ચેમ્બરના કાર્યક્રમમાં જણાવ્યું હતું. આ પ્રસંગે ભજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ, સાંસદ દર્શના જરદોષ, રાજ્ય સરકારના પ્રધાન ઇશ્વર પરમાર, ચેમ્બર પ્રમુખ દિનેશ નાવડિયા સહિત અગ્રણીઓ ઉદ્યોગકારોએ હાજરી આપી હતી.