નવી દિલ્હી: લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૨મી જન્મજયંતીના અવસરે દેશભરમાં ‘રન ફોર યુનિટી’નું આયોજન કરવામાં આવ્યું હતું. રાજધાની દિલ્હીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન રાજનાથ સિંહે દિલ્હીના પટેલ ચોકમાં આવેલી સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. દેશ માટે ક્રાંતિકારી ગણાવાતા આ અભિયાન ‘રન ફોર યુનિટી’ને વડા પ્રધાને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. ઉપસ્થિત લોકોને રાજનેતાઓએ એકતાના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે મોદી સાથે મંચ ઉપર એથલેટ દીપા કર્માકર, ક્રિકેટર સુરેશ રૈના અને હોકી પ્લેયર સરદાર સિંહ પણ હાજર રહ્યા હતા.
મોદીએ આ કાર્યક્રમમાં કહ્યું હતું કે, આજે સરદાર સાહેબની જન્મજયંતિ છે અને પૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ પણ છે. સરદાર પટેલે તેમના સંપૂર્ણ જીવનને દેશની આઝાદી માટે અર્પિત કરી દીધું હતું. સરદાર પટેલે તેમના બુદ્ધિકૌશલ્યથી નાના-નાના રજવાડાંઓને એક કરીને દેશને અખંડ ભારત દેશ બનાવ્યો હતો. કોંગ્રેસ પર કટાક્ષ કરતાં મોદીએ કહ્યું હતું કે, દેશના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે કહ્યું હતું કે, આઝાદી મળ્યા પછી સરદાર પટેલને દેશ જલદી ભૂલી રહ્યો છે, પરંતુ આપણે સરદારને ભૂલવા નહીં દઈએ. આજે આપણે ‘રન ફોર યુનિટી’ના માધ્યમથી સરદાર સાહેબને યાદ કરી રહ્યા છીએ. મોદીએ એવું પણ કહ્યું હતું કે, ભારત વિશ્વની દરેક પરંપરાને પોતાનામાં સમાવવાની શક્તિ ધરાવે છે. તેના માટે યોગ્ય અને અથાક પ્રયત્નો કરવા વચનબદ્ધ છે.