ભરૂચઃ મસ્જિદમાં નમાઝ ચાલતી હોય કે મંદિરમાં આરતી થતી હોય ત્યારે લાઉડ સ્પીકરના મોટા અવાજ કયારેક કોમી તંગદિલીનું કારણ બને છે, પરંતુ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સલાદરા ગામમાં મંદિર અને મસ્જિદ પર લાઉડ સ્પીકર મૂકવા પર પ્રતિબંધ છે. દિવસ દરમિયાન સમયાંતરે થતી નમાઝ હોય કે સવાર - સાંજ થતી આરતી હોય લાઉડ સ્પીકર શરૂ નહીં કરવાનો નિર્ણય ગામમાં રહેતા હિંદુ અને મુસ્લિમોએ ભેગા મળીને કર્યો છે.
આ અંગે વાત કરતા ગામના સરપંચ સંજયભાઇ વસાવા કહે છે, ‘ગામમાં રામજી મંદિર અને મસ્જિદ સાવ નજીકના અંતરે આવેલી હોવાથી સવાર સાંજની આરતી અને નમાઝનો સમય ભેગો થઇ જતો હતો. બંને ધર્મસ્થળો પરથી એકસાથે લાઉડ સ્પીકર શરૂ થાય ત્યારે અવાજના કારણે કશું સંભળાતું ન હતું. બંને ધર્મસ્થળના લોકો પોતાના સમયમાં ફેરફાર કરવા તૈયાર ન હતા. ખાસ કરીને નમાઝનો સમય આઘો પાછો ના થઇ શકે એવું મુસ્લિમ બિરાદરોએ જણાવતાં ગામમાં વિવાદ વિખવાદ ના થાય તે માટે પોતાના ધર્મસ્થળોએ લાઉડ સ્પીકરનો ઉપયોગ જ નહીં કરવાનું કાયમી હવે ધોરણે નકકી થયું છે.’