સુરતઃ પી પી સવાણી પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ૨૩૬ જેટલી પિતાની છત્રછાયા ગુમાવી દેનારી દીકરીઓના લગ્ન કરાવાયાં હતાં. આ દીકરીઓનું પિતા બનીને મહેશભાઈ સવાણીએ કન્યાદાન કર્યું હતું. લગ્ન સમારંભમાં જમ્મુ કાશ્મીરના ઉરીમાં શહીદ થયેલા સૈનિકોની વિધવા બહેનોના હસ્તે દીપપ્રાગટ્ય કરાયું હતું. ૨૩૬ દીકરીઓ પૈકી ૪ મુસ્લિમ અને એક ખ્રિસ્તી હતી.
તેના લગ્નની સાથે સાથે પી. પી. સવાણી પરિવારના પુત્ર જય હિંમતભાઈ સવાણી પણ લગ્નગ્રંથિથી જોડાયા હતા. ઉરી હુમલામાં શહીદોને યાદ કરતાં લગ્ન સમારોહમાં હાજર દરેક મહેમાનોએ પોતાની જગ્યાએ ઊભા થઈને ભારત માતા કી જય અને વંદે માતરમ નારાથી શહીદોની શહીદીને બિરદાવી હતી. ૨૫ ડિસેમ્બરે અને નાતાલ પર્વના દિવસે શહેરના વરાછા નજીક ચૈતન્ય વિદ્યા સંકુલ ગ્રાઉન્ડ, અબ્રામા રોડ ખાતે યોજાયેલા લગ્ન સમારોહમાં વાત્સલ્યધામ ગ્રામ વૃંદાવનથી સાધ્વી ઋતુભરાજી (દીદી) નવવિવાહિત દંપતીઓને આશીર્વાદ આપવા આવ્યાં હતાં.