સુરતઃ બારડોલી તાલુકાની મઢી સુગર તેમજ સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ ભક્ત તથા બારડોલી નાગરિક બેન્કના ડિરેક્ટર જગુ અંકલ ઉર્ફે જગુભાઈ પટેલનું કોરોનાથી ૯મી જુલાઈએ સવારે ૯.૩૦ વાગ્યે નિધન થયું છે. તેમના નિધનથી સહકારી તેમજ સામાજિક ક્ષેત્રમાં શોક છવાયો છે. તાપી જિલ્લાના બાજીપુરામાં રહેતા દિલીપભાઈ ભક્ત મઢી સુગર તેમજ સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કમાં પૂર્વ પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે. તેઓ બારડોલી સરદાર સ્મારક હોસ્પિટલમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે તેમજ ફેડરેશનના ડિરેક્ટર પણ હતા. તેઓ વિવિધ સામાજિક તેમજ રાજકીય સંસ્થા સાથે જોડાયેલા હતા. તેમની તબિયત બગડતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને કોરોનાના લક્ષણો દેખાતા તેમને ચલથાણ સંજીવની હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન નિધન થયું હતું. બીજી તરફ નાગરિક બેન્કના ડિરેક્ટર, રાધાકૃષ્ણ મંદિરના પ્રમુખ અને મઢી સુગરના ડિરેક્ટર બારડોલીના જગુ અંગલ ઉર્ફે જગુભાઈ કલ્યાણજી પટેલનું પણ કોરોનાથી નિધન થયું છે. એક સાથે બે સહકારી આગેવાનોના કોરોનાથી નિધન થતાં સહકારી તેમજ સામાજિક ક્ષેત્રમાં શોક ફેલાયો છે.
ડો. અશોક કાપ્સેનું કોરોનાથી અવસાન
સુરતઃ વિખ્યાત ડો. અશોક કાપ્સેની ૩૦ દિવસની સારવાર બાદ ૯મી ઓગસ્ટે ૭૧ વર્ષની વયે કોરોનાથી અવસાન થયું છે. ૧૯૮૮માં ડેગ્યુના રિપોર્ટ અને સેમ્પલ તૈયાર કરી અમેરિકી વાયરોલોજી ઇન્સ્ટિટ્યૂટને મોકલીને પુરવાર કર્યું હતું કે, ભારતમાં ડેગ્યૂનો પ્રવેશ થઇ ચૂક્યો છે.