વાપીઃ મુંબઈની મરિન ડ્રાઈવ સ્થિત હોટલમાં ગત ૨૨ ફેબ્રુઆરીના રોજ દાદરા-નગર હવેલીના સાંસદ મોહનભાઈ ડેલકરના અપમૃત્યુની ઘટનામાં મહારાષ્ટ્ર સરકારે સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ (એસઆઈટી)ની રચના અંગે મહારાષ્ટ્ર વિધાનસભામાં જાહેરાત કરી હતી. આના ગણતરીના જ કલાકોમાં ૧૦ માર્ચે તપાસનીશ ટીમે દાદરા-નગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ ખોડાભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર સહિત આઠની સામે દુષ્પ્રેરણા, એટ્રોસિટી સહિતના ગુના નોંધ્યા છે. મોહન ડેલકરના પુત્ર અભિનવે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે ઉપરાંત નાયબ મુખ્ય પ્રધાન અને ગૃહ પ્રધાન સાથે મુલાકાત કરી હતી. જેના પગલે આ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.
મરીન ડ્રાઈવ પોલીસ મથકે નવમી માર્ચે સાંજે મૃતક સાંસદના પુત્ર અભિનવ ડેલકરનું નિવેદન નોંધ્યા પછી મોડી રાત્રે આપઘાતની દુષ્પ્રેરણા અંગેની આઈપીસી કલમ ૩૦૬ તથા એટ્રોસિટીની વિવિધ કલમ હેઠળ પ્રશાસક પ્રફુલ પટેલ, કલેક્ટર સંદીપસિંહ, એસ.પી. શરદ દરાડે, આરડીસી અપૂર્વ શર્મા, એસડીપીઓ મનસ્વી જૈન, પીઆઈ મનોજ પટેલ, લો સેક્રેટરી રોહિત યાદવ, તલાટી દિલીપ પટેલ તથા ભાજપા અગ્રણી ફતેહસિંહ ચૌહાણ વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરાઇ હતી.
રૂ. ૧૦૦ કરોડની જમીન પર પ્રફુલ્લ પટેલનો ડોળો?
ચકચારી સંઘપ્રદેશ દાદરા-નગર હવેલીના સાંસદ મોહન ડેલકરના અપમૃત્યુ કેસમાં મુંબઈ પોલીસને આપેલા નિવેદનમાં ડેલકરના પુત્ર અભિનવ ડેલકરે આક્ષેપ કર્યો હતો કે તેમના પિતાને જાહેર જીવનમાં વારંવાર અપામાનિત કરાતા હતા. તેમને પાછલા ૧૬-૧૮ મહિનાથી પરેશાન કરવામાં આવતાં હતાં. તેમણે કહ્યું હતું કે સાત વાર સાંસદ રહી ચૂકેલા સાંસદને આવું પગલું ભરવું પડે તો પછી ઉત્પીડન અને અપમાનની તમે કલ્પના કરી શકો છો. તેમની ફાર્મસી કોલેજની ૧૦૦ કરોડ બજારભાવ કિંમત ધરાવતી જમીન પર પ્રશાસક પ્રફુલ્લ પટેલનો ડોળો હોવાથી તે પચાવી પાડવા પ્રશાસનની મદદથી અલગ અલગ રીતે કાવાદાવા કરી રહ્યાં હોવાનો સ્ફોટક આક્ષેપ કર્યો હતો.
અભિનવે એવો પણ આક્ષેપ કર્યો કે, અમે અનુસૂચિત જાતિની હોવાથી તેમને ઇરાદાપુર્વક જાહેર કાર્યક્રમોમાં અપમાનિત કરાતા હતા. પ્રશાસક મારા પિતાને શારીરિક ઇજાઓ કરવાની તથા ખોટા ગંભીર કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા હતા. રૂ. ૨૫ કરોડની માંગણી કરી પાસામાં ફીટ કરવાની પણ ધમકી આપી હતી.
આરોપીઓના રાજીનામાની ઉગ્ર માગણી
મોહન ડેલકર કેસમાં પ્રશાસક સહિતના સામે ગુનો નોંધાતા દાનહમાં તેમની સામેનો રોષ વધુ બળવત્તર બન્યો છે. સાથે જ પ્રફુલ્લ પટેલ ઉપરાંત આરોપી અધિકારીઓ નૈતિકતાના ધોરણે પણ તત્કાળ રાજીનામા આપી પોતાના હોદ્દા છોડે તેવી માગણી ઉગ્ર બની છે. તેઓ હોદ્દા છોડશે તો જ આમાં નિષ્પક્ષ તપાસ થઈ શકશે તેવી પણ માગ થઈ છે.