ભરૂચ: સાઉથ આફ્રિકાના ગ્રે ટાઉનમાં ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના પરિવારને તાજેતરમાં કાર અકસ્માત નડ્યો હતો. જેમાં એક જ પરિવારના ૩ સભ્યોનાં મોત થયાં છે. મૃતકોમાં ભરૂચના એનઆરઆઈ દંપતી અને પુત્રનો સમાવેશ થાય છે. સદનસીબે તેમની પુત્રીનો બચાવ થયો છે. આ અકસ્માતના પગલે આમોદ તાલુકાના કોલવણા ગામમાં તેમના પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં કોલવણા ગામે રહેતા મહંમદ પટેલનો પુત્ર સાકીર પટેલ ૧૦ વર્ષ પહેલાં સાઉથ આફ્રિકામાં રોજગારી અર્થે ગયો હતો. જ્યાં એક શોપમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો. ત્યારબાદ તેના ત્યાંજ પરિવાર સાથે સ્થાયી થયો હતો. તાજેતરમાં સાકીર પટેલ પરિવાર સાથે કારમાં પીટર મેરિત્ઝબર્ગમાં જવા નીકળ્યો હતો. તે સમયે તેમની કારને ગ્રે ટાઉન પાસે અકસ્માત નડ્યો હતો. જેમાં પરિવારનાં ૩નાં મોત થયાં હતાં.