સુરતઃ સાડા ત્રણ વર્ષની દીઝા ગોળવાળાના અંગદાનથી ત્રણ બાળકોને નવજીવન અને બે વ્યક્તિઓને દૃષ્ટિ મળી છે. અડાજણ રોડ પાસે રહેતા અને પ્રાઇવેટ બેંકમાં ફરજ બજાવતા ઉર્વીશ રાજેન્દ્ર ગોળવાળા અને વિશ્વા ગોળવાળાની સાડા ત્રણ વર્ષની દીકરી દીઝા ૧૧મી માર્ચે સવારે ઊંઘમાંથી ઊઠી ત્યારે તેને ઉલટી થવા સાથે ખેંચ આવી હતી. તેને પિડિયાટ્રિશિયન ડો. નિખિલ પરીખની હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. ત્યાં પાછી ખેંચ આવતાં દીઝા બેભાન થઈ ગઈ હતી. તેથી વધુ સારવાર માટે તેને નીઓ પ્લસ હોસ્પિટલના આઈસીયુમાં ખસેડાઈ હતી. ત્યાં તે શ્વાસ લઈ શકતી ન હોવાથી તેને વેન્ટીલેટર પર રખાઈ હતી. દીઝાનું સિટી સ્કેન થતાં તેનાં મગજમાં પાણીનો ભરાવો થયાનું જાણવા મળ્યું હતું. જેના કારણે તેનાં નાના મગજને નુકસાન થયું હોવાનું નિદાન થયું અને દીઝાને બ્રેઈનડેડ જાહેર કરાઈ હતી. ડોનેટ લાઇફની ટીમે દીઝાના પરિવારને અંગદાનનું મહત્ત્વ સમજાવ્યું અને પરિવારજનો તરફથી દીઝાનાં અંગદાનની સંમતિ મળતાં અમદાવાદની ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની રિસર્ચ સેન્ટરનો સંપર્ક કરવામાં આવ્યો.
અમદાવાદની ટીમે દીઝાની કિડની અને લીવરનું દાન સ્વીકાર્યું જ્યારે ચક્ષુઓનું દાન લોકદૃષ્ટિ ચક્ષુબેંકને અપાયું. દાનમાં મેળવવામાં આવેલી એક કિડની પોરબંદરના રહેવાસી ગોકુલેશ મોહનભાઈ ઓડેદરા (ઉ. વ. ૮) અને બીજી કિડની અમદાવાદની રહેવાસી રિતિકા કમલેશભાઈ દેસાઈ (ઉં. વ. ૬)માં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. લીવર વિસનગરના રહેવાસી શ્રેય પટેલ (ઉં. વ. ૫)માં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે.