વલસાડઃ સમાજમાં એકતા રહે તે માટે વિવિધ ધર્મના લોકો જુદાજુદા કાર્યક્રમોનું આયોજન કરે છે. વલસાડનો મુસ્લિમ રહીશ રામનવમીના નિમિત્તે અન્ય બે મિત્રો સાથે મળીને અંદાજે છ હજાર લોકોને પ્રસાદ ખવડાવે છે. છેલ્લા સાત વર્ષથી વ્યવસાયે ડ્રાઈવર એવા મુસ્લિમ યુવાન લોકો પાસેથી દાન લઈ ભંડારાનું આયોજન કરે છે.સામાન્ય રીતે હિન્દુના તહેવારમાં મુસ્લિમો ઓછા સહભાગી બને છે ત્યારે આ યુવાને સામાજિક એકતા માટે અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. વલસાડના ડિસ્પેન્સરી રોડ પર રહેતા અફરોઝ શેખ (૪૧) તેના બે મિત્રો આશિષભાઈ પરદેશી અને નીતિન પરદેશી સાથે મળીને દર રામનવમીએ ભંડારાનું આયોજન કરે છે.
આ અંગે અફરોઝભાઈ કહે છે કે, લોકો હળીમળીને રહે અને એકબીજામાં મહોબ્બત રહે તે માટે જ હું આ કામ કરું છું. હું દાઢીધારી છું અને પાંચ ટાઈમનો નમાઝી છું. છતાં પણ હિન્દુ તહેવારનું આયોજન કરું છું. જેની મને જોઈને પણ લોકોને એકબીજાના તહેવારમાં ભાગ લેવાની પ્રેરણા મળે અને લોકો કોમી એખલાસથી રહે. અફરોઝભાઇ સાંઈબાબામાં ખૂબ શ્રદ્ધા ધરાવે છે.