સુરતઃ સાહિત્ય જગતમાં નાનુબાપા અને નગરબાપા તરીકે જાણીતા પ્રખર સાહિત્યકાર નાનુભાઇ નાયકનું સુરતમાં ૯૨ વર્ષની વયે ૧૮મીએ સવારે અવસાન થયું હતું.
સામાન્ય ખેડૂત પરિવારમાંથી સુરત આવેલા નાનુભાઇનું સુરત અને ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર યોગદાન રહ્યું છે. સાત દિવસ પહેલાં ૧૦મેએ તેમના પુસ્તક ‘મારા સપનાનું વિશ્વ’ને તેમની વર્ષગાંઠના દિવસે જ વિનોબા ભાવે એવોર્ડ એનાયત થયો ત્યારે નાદુરસ્ત તબિયત હોવા છતાં તેઓ હાજર રહ્યા હતા. તેઓ સુરતમાં ગુજરાતી સાહિત્યના સંવર્ધનની પ્રવૃત્તિઓ કરતી અગ્રેસર સંસ્થા સાહિત્ય સંગમના પ્રણેતા હતા. ૧૦ મે, ૧૯૨૭ના રોજ સુરત જિલ્લાના ભાંડુત ગામે અનાવિલ પરિવારમાં તેમનો જન્મ થયો હતો. એક ખેડૂત રૂપે તેઓ આજીવન દલિતો અને પીડિતોના હામી બનતા રહ્યા હતા. માત્ર મેટ્રિક સુધી ભણેલા નાનુભાઈએ સાહિત્ય, રાજકારણ, પત્રકારત્વ, ખેતી અને પુસ્તક પ્રચારમાં બહુમૂલ્ય પ્રદાન કર્યું છે. મહાત્મા ગાંધીના ઉત્તમ વિચારોથી પ્રભાવિત નાનુભાઇએ ૬૯૫ પાનાનું મારા સપનાંનું વિશ્વ પુસ્તક લખ્યું હતું. તેનો અંગ્રેજી અને મરાઠી ભાષામાં પણ અનુવાદ થયો છે.