સુરતઃ એરપોર્ટ પર સતત વધતા ટ્રાફિકને કારણે વિસ્તરણની કામગીરી ઝડપથી પૂરી કરાય તેવી રજૂઆત સાંસદ દર્શના જરદોશે તાજેતરમાં સંસદમાં કરી હતી. સુરત એરપોર્ટ પર હાલમાં મુસાફરોની અવરજવરનો ગ્રોથ રેટ ૨૫૦ ટકા નોંધાયો છે. જેથી સુરત એરપોર્ટ પર મુસાફરોને પડતી મુશ્કેલી દૂર કરવા દર્શના જરદોશે સંસદમાં ઝીરો અવર્સમાં પ્રશ્ન ઉઠાવતાં કહ્યું હતું કે રાત્રે સુરત એરપોર્ટ એક સાથે ચાર ફલાઇટ જ પાર્કિંગની સુવિધા હોવાથી એક ફલાઇટને અડધો કલાક સુધી બહાર ઉભી રાખવી પડતી હોય છે. આ ઉપરાંત મુસાફરો માટે બેસવાની પણ પૂરતી વ્યવસ્થા નહીં હોવાથી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે જ્યારે સુરત એરપોર્ટના વિસ્તરણ માટેનું ખાતમૂહૂર્ત પણ કરી દેવામાં આવ્યું છે. જેના જવાબમાં ઉડ્ડયન પ્રધાને જણાવ્યું કે, સુરત એરપોર્ટ વિસ્તરણની કામગીરીવર્ષ ૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરાશે.