સુરત: કસ્ટમ નોટીફાઈડ એરપોર્ટનો દરજ્જો મળ્યા પછી પ્રથમવાર સુરત એરપોર્ટથી ઇન્ટરનેશનલ ચાર્ટર્ડ ફ્લાઇટ ૧૯મીએ તૂર્કી રવાના થઈ હતી. સુરત ડાયમંડ બુર્સના ચેરમેન અને વિશ્વની ટોચની ડાયમંડ કંપનીના માલિક વલ્લભભાઈ લાખાણીના પરિવારમાં લગ્ન હોવાથી ૨૧૮ જાનૈયાઓને ચાર્ટર્ડ ફ્લાઇટ ૧૯ એપ્રિલે રાત્રે ૨.૩૦ કલાકે તૂર્કી ઇસ્તાંબુલ જવા રવાના થઈ હતી.
લાખાણી પરિવારની વ્યક્તિના લગ્ન હોવાથી એરબસ ૩૨૧ ચાર્ટર્ડ ફ્લાઇટ હાયર કરાઈ હતી. આ ફ્લાઇટ માટે કસ્ટમ અને ઇમિગ્રેશનનો સ્ટાફ પણ રોકાયો હતો. તમામ પેસેન્જરનું ઇમિગ્રેશન અને કસ્ટમ ચેકિંગ થયા પછી ફ્લાઇટે ઉડાન ભરી હતી. ઉલ્લેખનીય છે કે સુરતથી તૂર્કી જવા વન વે ખર્ચ રૂ. ૬૦ લાખથી વધુ થયાની ચર્ચા છે. આ લગ્ન સમારોહ માટે હીરા ઉદ્યોગના આગેવાનો, બિલ્ડરો, સનદી અધિકારીઓ તથા અન્ય ઉદ્યોગના ગણતરીના ઉદ્યોગકારોને તૂર્કી માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.