સુરતઃ જિલ્લામાં ઉનાળુ ડાંગર પકવતા ખેડૂતો માટે આ વર્ષે ‘અચ્છે દિન આ ગયે’ જેવો માહોલ છે. આ પંથકમાં ૬૫૦૦ હેક્ટર જમીનમાં ડાંગરના મબલખ ઉત્પાદનને પગલે ખેડૂતોમાં ખુશી વ્યાપી છે. કારણ કે વિતેલા બે વર્ષની સરખામણીમાં આ વર્ષે ડાંગરનું ઉત્પાદન નોંધપાત્ર રહે તેવા આસાર મળ્યા છે. ગયા વર્ષે ઉનાળાની મોસમ દરમિયાન જમણા કાંઠાની નહેરનું પાણી ખેડૂતોને જોઈએ તેટલું મળ્યું નહોતું. જમણા કાંઠાની નહેરને પાકી કરવાનું ભગીરથ કાર્ય ગયા વર્ષે થયું હતું. જેથી સમયાંતરે ખેડૂતોને પાણી પૂરું પાડવામાં આવ્યું હતું. આ વખતે નહેર વિભાગે રોટેશન મુજબ ખેતીની જરૂરિયાત પ્રમાણે કેનાલ દ્વારા ખેડૂતોને પાણી પહોંચાડ્યું હતું. જેના કારણે ઓલપાડ, મહુવા, બારડોલી અને માંડવી તાલુકાના કેટલાક વિસ્તારોમાં ઉનાળુ ડાંગર વધુ જોવા મળે છે.