સુરત એરપોર્ટને ધમધમતું કરવા પ્રયત્નશીલ વી વોન્ટ વર્કિંગ એરપોર્ટ એટ સુરત ગ્રૂપના આગેવાનોએ એર ઇન્ડિયાના સુરતના નવ નિયુક્ત સ્ટેશન મેનેજર સચિન ચીટનીસની મુલાકાત લઈને સુરત દિલ્હીને જોડતી સવારની ૭૨ સીટર એ.ટી.આર. ફ્લાઇટને એરબસમાં ફેરવવાની માગ કરી હતી તથા આ ફ્લાઇટનો સમય વહેલો કરવાથી સાંજે દિલ્હીથી ફ્લાઇટ પરત થઈ શકે તેવી રજૂઆત પણ થઈ હતી.
• વરાછા-કાપોદ્રાની ઇન્ડ. એસ્ટેટના ૧૦૦૦ પાવરલૂમ યુનિટો બંધઃ સુરત જિલ્લાના વિવિંગ એકમોના કારીગરોની મજૂરીના દર વધારાની માગણીને કારણે પાવરલૂમ યુનિટના માલિકો મુશ્કેલીમાં મુકાયા છે અને તેમણે આશરે ૧૦૦૦ પાવરલૂમ યુનિટો બંધ કરવાની જાહેરાત કરી છે. દેવદિવાળી બાદ આશરે ૭૦થી ૮૦ કામદારો યુનિટ પર પાછા કામે લાગવા આવ્યા છે અને કાંડીના કારીગરોની લુમ્સ દીઠ માંગણી ૧૨ યુનિટ હોય તો રૂ. ૧૫૦, ૨૪ હોય તો રૂ. ૩૫૦ અને તેથી વધુ હોય તો રૂ. ૪૫૦ની છે.