સુરતઃ દક્ષિણ ગુજરાતવાસીઓ અને સૌરાષ્ટ્રવાસી માટે સારા સમાચાર છે. લાંબા સમયથી જેની રાહ બંને પંથકના લોકો જોતાં હતાં તે દિવસ હવે નજીક છે. થોડા સમય પહેલા સુરતની ખાનગી એરલાઇન્સ કંપની ડાયમંડ એરોનોટીકલ્સે વિમાની સેવાનો વ્યાપ વધાર્યો છે. હવે કંપની ૨૭ માર્ચથી સુરત-રાજકોટ વચ્ચેની ફ્લાઇટ શરૂ કરી રહી છે. આ ફ્લાઇટ સવારે ૭ કલાકે સુરતથી ઉપડીને ૮ કલાકે રાજકોટ પહોંચશે. રાજકોટથી ફરી સાડા આઠ કલાકે ઉપડશે જે સાડા નવ કલાકે સુરત આવશે. અગાઉ કંપનીએ સુરત-ભાવનગર વચ્ચેની ફ્લાઇટ શરૂ કરી હતી, જેને મુસાફરો દ્વારા ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. આ નવી ફ્લાઇટનું ભાડું અંદાજે રૂ. પાંચ હજાર રહેશે અને બુધવારને સિવાય સપ્તાહનાં છ દિવસ ફ્લાઇટ ઉડશે.
દમણ-દીવનાં કોંગ્રેસ અગ્રણી ભાજપમાં જોડાયાઃ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ-દીવના કોંગ્રેસ અધ્યક્ષ વિશાલ ટંડેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે રાજીનામુ સંઘ પ્રદેશના પ્રભારી ગુરુદાસ કામતને મોકલી આપ્યું છે. તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને દિલ્હીમાં મળીને ભાજપમાં જોડાઇ રહ્યા છે. સંઘ પ્રદેશ દમણ-દીવમાં રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસથી વધુ ઉથલપાથલ જોવા મળે છે.
સ્વાતંત્રસેનાની, પૂર્વ ધારાસભ્ય ગોસાઈ પટેલનું અવસાનઃનવસારી પંથકના વતની અને મટવાડના સ્વાતંત્ર્યસેનાની અને ભૂતપૂર્વ ધારાસભ્ય ગોસાઈભાઈ પટેલનું તેમનાં પુત્રી ડો. ઉષાબહેનના ઘરે ૧૮ માર્ચના રોજ નવસારી ખાતે નિધન થયું છે. મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ સહિતના અધિકારીઓએ, રાજકીય અગ્રણીઓએ તેમના અવસાન પ્રત્યે દુઃખની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. સદ્ગતની અંતિમયાત્રામાં અગ્રણી નાગરિકો, ગાંધીવાદીઓ અને ગ્રામજનો જોડાયા હતા.