સુરત: સુરત સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં એક હજાર બેડની કોવિડ હોસ્પિટલનું ઇ-લોકાર્પણ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના હસ્તે ૧૭મી જુલાઈએ કરાયું હતું. હોસ્પિટલમાં ઓક્સિજન લાઈન તથા વેન્ટિલેટર સહિતની વ્યવસ્થા છે. કોરોના બેકાબૂ બનતાં ગત દિવસોમાં સુરતની મુલાકાતે આવેલા વિજય રૂપાણીએ સમીક્ષા કરી આરોગ્યલક્ષી સુવિધા ઊભી કરવા સૂચના આપી હતી. ત્યારબાદ સિવિલ કેમ્પસમાં આવેલા ગ્રાઉન્ડ ફ્લોર સાથેની ૧૧ માળની સ્ટેમસેલ બિલ્ડિંગમાં કોરોનાના દર્દીઓની સારવાર માટેની વ્યવસ્થા કરાઈ હતી, જેનું ઇ-લોકાર્પણ થયું હતું. જ્યારે રાજ્યકક્ષાના આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીએ સુરતમાં હોસ્પિટલની તક્તીનું પ્રત્યક્ષ અનાવરણ કર્યું હતું.