સુરતથી વધુ મુસાફરો છતાં મોટા વિમાન માટે એર-ઈન્ડિયાની ના!

Thursday 14th May 2015 08:03 EDT
 
 

સુરતઃ સુરત એરપોર્ટથી એરકનેક્ટિવિટી વધારવા સાસંદો, ચેમ્બર ઓફ કોમર્સ અને વી વોન્ટ એરપોર્ટ અવેરનેસ ગ્રૂપ સતત એર ઈન્ડયાને બીજી ફ્લાઈટ શરૂ કરવા રજૂઆતો કરી રહ્યું છે. સુરત એરપોર્ટથી વર્ષ ૨૦૧૨થી ૨૦૧૪ દરમિયાન પેસેન્જર ટ્રાફિકનું પ્રમાણ ૬૦ ટકાથી વધુ રહ્યું હોવા છતાં સુરતને બાવન અથવા ૭૨ બેઠકનું નવું વિમાન મેળવવા માટે વ્યક્તિગત અને સંસ્થાકીય પ્રયાસ થઇ રહ્યા છે. બીજી તરફ સત્તાવાળાઓએ પણ એર ઈન્ડિયાની લાલિયાવાડી છતી કરી છે. એર ઈન્ડિયાની દિલ્હીથી ખજૂરાહોની ફ્લાઈટને વેકેશન સિવાયની સિઝનમાં માંડ ૧૮થી ૨૦ પ્રવાસી મળે છે. જ્યારે ખજુરાહોથી દિલ્હી પરત થવા માટે સરેરાશ ૪૦થી ૪૫ પેસેન્જરો મળતા હોવા છતાં એર બસ ઊડાવવામાં આવે છે. આ રૂટ પર જવા આવવા માટે ૩૦ ટકા પણ પેસેન્જરો નહીં મળતા હોવા છતાં લાખોની ખોટ કરીને પણ આ ફ્લાઈટ ચાલુ રાખવામાં આવી છે.

તાજેતરમાં સુરત એરપોર્ટની મુલાકાતે આવેલા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ચેરમેન આર. કે. શ્રીવાસ્તવે એવો સંકેત આપ્યો હતો કે સુરતના લોકોને એર બસ જેવા મોટા વિમાનને બદલે બાવન અથવા ૭૨ બેઠકવાળા વિમાનની માંગણી કરવી જોઈએ. કારણ કે સુરત એરપોર્ટના વર્તમાન રનવે નાના-મધ્યમ કદના વિમાનો માટે અનુકૂળ છે. આગામી ૧૮ મહિનામાં ૨૦૦ મીટરનો ડેમેજ રનવે અને ૬૫૫ મીટરનો એક્સપાન્સન માટેનો રનવે તૈયાર થયા પછી એરબસ કે બોઈંગ કંપનીના મોટા વિમાનોની સેવા મળી શકશે.

સાંસદ સી. આર. પાટીલે તાજેતરમાં એવિએશન કમિટીની બેઠકમાં દિલ્હી વાયા સુરત મુંબઈની ફ્લાઈટની માંગણી કરી હતી. સવાર-સાંજની ફ્લાઈટ શરૂ કરવામાં આવે તો ૭૦ ટકા પેસેન્જરો રોજેરોજ મળી શકે એમ છે અને જ્યારે સુરત ઉદ્યોગ સંગઠનો વતી એવી ખાતરી આપી હતી કે જોતેનાથી ઓછા પેસેન્જરો મળશે તો તેની ખોટ સુરતના ઉદ્યોગ સંગઠનો ભરપાઈ કરશે. ચેમ્બરે પણ ૭૨ બેઠકની બીજી ફ્લાઈટ એર ઈન્ડિયા અત્યારે આપે તેવી અમદાવાદ ખાતે રજૂઆત કરી હતી. જોકે આ ફ્લાઈટ ઊનાળુ શિડ્યુલમાં મળવાની શક્યતા ઓછી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter