સુરતઃ હીરા વ્યવસાય, રિઅલ એસ્ટેટ અને ગ્રૃપ ઓફ સ્કૂલ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ મહેશ સવાણી હંમેશાથી સમાજને નવી રાહ ચીંધતા આવ્યા છે. તેઓ સાતેક વર્ષથી સમૂહલગ્નનું આયોજન કરતા આવ્યા છે. સમૂહલગ્નનો ખર્ચ તેઓ જ માથે લે છે, પણ આ લગ્ન સમારોહમાં તેમના દીકરા અને પિત્રાઈ ભાઇના પણ લગ્ન થશે. એ સિવાય અન્ય ૨૩૬ જોડીઓ આ પ્રસંગે લગ્નગ્રંથિથી જોડાશે. સમૂહલગ્નનો પ્રસંગ ચાર દિવસ ચાલશે. ૨૨ ડિસેમ્બર ૨૦૧૬ના રોજ મહેંદી રસમ, ૨૩મીએ રાસ ગરબા અને ૨૫ ડિસેમ્બરે લગ્ન થશે. સમારોહ અબ્રામામાં પી પી સવાણી સ્કૂલના મેદાનમાં યોજાશે. લગ્નગ્રંથિથી જોડાનાર તમામ દીકરીઓને પસંદગીનું એક ઘરેણું, સાડીઓ અને ઘર વપરાશના સાધનો આપવામાં આવશે. તથા તમામનું કન્યાદાન મહેશ સવાણી અને તેમના ભાઇઓ કરશે.