સુરતઃ એક આધેડ વયના દોડવીર યુવાનોને પણ શરમાવે તેવી સ્ફૂર્તિ ધરાવે છે. સુરતના મગદલ્લા ખાતેના ૬૪ વર્ષીય ઈશ્વરભાઈ પાંચિયાભાઇ પટેલ છેલ્લા ૫૪ વર્ષમાં ભારતમાં યોજાયેલી વિવિધ મેરેથોનમાં હજારો કિલોમીટર દોડી ચૂક્યા છે. ઈશ્વરભાઈ ૧૦ વર્ષના હતા ત્યારથી દોડવાનું ખૂબ પસંદ હતું. તેમની તમન્ના રાષ્ટ્રીય સ્તરે દોડવાની હતી. આથી તેમણે તબક્કાવાર બેંગ્લોર, ચેન્નાઈ, ચંદિગઢ, મુંબઈ, બરોડા, જામનગર, દિલ્હી, કોલકતા જેવા શહેરોમાં યોજાતી મેરેથોનમાં ભાગ લીધો છે. આવી સ્પર્ધામાં ભાગ લેવા બદલ તેમને ૩૦ જેટલા મેડલ અને ૩૨ જેટલા સર્ટીફીકેટ મળ્યા છે.
ઈશ્વરભાઈ કહે છે કે, ‘૧૦ વર્ષની ઉંમરે દોડવાનું શરૂ કર્યા બાદ મેં પાછળ ફરીને જોયું નથી. ૫ કિ.મી.થી લઈને ૪૨ કિ.મી. સુધીની મેરેથોનમાં મેં ભાગ લીધો છે. મારે પાંચ દીકરા છે અને તેમનો પરિવાર પણ છે પરંતુ તેમને મારી સાથે દોડવાનો શોખમાં નથી. તેઓ આજે પણ કહે છે કે, હવે ઉંમર થઈ છે તેથી તમે દોડવાનું છોડી દો, પરંતુ મને દોડવાનું ગમે છે અને તેથી જ હું દરેક જગ્યાએ મેરેથોનમાં ભાગ લઉં છું. નિયમિત દોડવાથી મને શારીરિક તકલીફ પડ નથી. મારા ડોક્ટરની પણ એ જ સલાહ છે કે હું દોડવાનું બંધ નહીં કરું.’ ઈશ્વરભાઈએ ૪૨ કિ.મી. મેરેથોન ૨ કલાક અને ૧૪ મિનિટમાં પૂર્ણ કરી હતી. જેનો રેકોર્ડ ગુજરાતમાંથી કોઈ તોડ્યો નથી.