સુરતઃ હેરિટેજ વીકની ઉજવણી તાજેતરમાં જ પૂરી થઇ. પૌરાણિક લખાણ પણ હેરિટેજ વારસો છે એ જ રીતે જૂના ઓટોગ્રાફ અને એ પણ ભારતની આઝાદીના લડવૈયાઓના હોય તો તે આપોઆપ હેરિટેજ વારસા સમાન બની જાય છે. સુરતમાં હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા એક વ્યકિત પાસે આઝાદી સમયના લડવૈયાઓના અસલી ઓટોગ્રાફની એક બૂક છે, જેમાં સરદાર વલ્લભભાઇ પટેલ અને‘ સરહદના ગાંધી’ ખાન અબ્દુલ ગફારખાન સહિત ૩૭ જાણીતા નેતાઓના ઓટોગ્રાફ છે.
મૂળ સુરતનાં ભીખાચંદ નાગરદાસ શાહ સ્વાતંત્ર્ય સેનાની હતા. આઝાદીની લડાઇ વખતે તેઓ અંગ્રેજોની લાઠીનો પણ ભોગ બન્યા હતા. જેલવાસ પણ ભોગવેલો. આઝાદીના રંગે રંગાયેલા ભીખાચંદજીને બીજો એક રંગ પણ ચઢેલો હતો અને તે રંગ એટલે આઝાદીના નેતાઓના ઓટોગ્રાફ એકત્ર કરવાનો. આ માટે તેમણે ખાસ ઓટોગ્રાફ બૂક ખરીદી અને જ્યારે તક મળે ત્યારે નેતાઓના ઓટોગ્રાફ લેવા લાગ્યા. સમયાંતરે ભીખાચંદજીની સાથે તેમના પુત્ર નવીનચંદ્ર શાહ પણ પિતાના શોખમાં સામેલ થયા હતા.
પિતા-પુત્રે વર્ષ ૧૯૩૧થી ૧૯૪૦ દરમિયાન લગભગ ૩૭થી વધુ નેતાઓને રૂબરૂ મળીને ઓટોગ્રાફ બૂકમાં હસ્તાક્ષર લીધા હતાં. આ પાછળનો તેમનો હેતુ નેતાઓને ફેસ ટુ ફેસ મળવાનો અને તેમની સાથે થોડી વાતો કરવાનો હતો. આ ઓટાગ્રાફ બૂક આઝાદી પછી પણ અકબંધ સચવાયેલી છે. ભીખાચંદજીએ પુત્ર નવીનચંદ્રને અને નવીનચંદ્રભાઇએ તેના પુત્ર યોગેશભાઇને આપી હતી.
દાદા-પિતાના આ અમુલ્ય વારસાને યોગેશભાઇ કિમતી ખજાનાની માફક સાચવી રહ્યા છે. આ બૂક હંમેશા તેમના બેંકના લોકરમાં જ રહે છે. યોગેશભાઇએ કહે છે કે પિતાએ કિમતી ખજાનાની ભેટ ધરી છે. આ અનમોલ ખજાનો મારા જીવનની શ્રેષ્ઠ મૂડી છે.
ખુબ ઊંચી કિંમતમાં આ બૂક ખરીદવા માટેની માંગણી થઇ છે, પણ યોગેશભાઇ કે તેમના સંતાનો આ બૂકને વેચવા માટે બિલ્કુલ રસ ધરાવતા નથી. આ ધરોહરને તેઓ હંમેશા પોતાની પાસે જ રાખશે એવુ તેમણે કહ્યુ હતું. યોગેશભાઇ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે.
આ નેતાઓના અસલી ઓટોગ્રાફ
યોગેશભાઇ પાસેની ઓટોગ્રાફ બૂકમાં વલ્લભભાઇ પટેલ, સુભાષચંદ્ર બોઝ, સરોજીની નાયડુ, જવાહરલાલ નેહરૂ, લોકમાન્ય તિલક, જયપ્રકાશ નારાયણ, રાજેન્દ્ર પ્રસાદ, અબ્દુલ ગફારખાન, પુરૂષોત્તમદાસ ટંડન, ઇશ્વરભાઇ પંથ, હુસૈન અહમદ, હબીબુર રહેમાન, મો. કિફાયતુલ્લા, શેખ ઇસામુદ્દીન વગેરેનો સમાવેશ થાય છે.