સુરતઃ પ્રસિદ્ધિ અને પ્રચારથી દૂર રહીને પ્રભુભક્તિ અને માનવસેવામાં લીન રહેતા ગૂઢ શાસ્ત્રાર્થી સંત વિશ્વનાથ અવધૂતજી રવિવારે બપોરે ૧૧.૫૮ કલાકે ૯૬ વર્ષની વયે બ્રહ્મલીન થયા હતા. સંતના અંતિમ દર્શન માટે ભક્તો રાંદેર સ્થિત આશ્રમે પહોંચ્યા હતા. દત્તભક્તિની પરંપરામાં શ્રી રંગ અવધૂત સ્વામી મહારાજના અત્યંત નિકટના રાષ્ટ્રીય સંત વિશ્વનાથ અવધૂતજી મહારાજ ગુરુદેવ અવધૂત આશ્રમ રામનગરમાં જ અંતિમ યાત્રાએ નીકળ્યા હતા. દત્તાવતાર શેવાંગના સમર્થ ગજાનન મહારાજને ઇષ્ટપદે સ્થાપીને ભક્તિ અને પરમાર્થના પ્રસારાર્થે વર્ષ ૧૯૭૪-૭૫માં તેઓ સુરત પધાર્યા હતા. વિશ્વનાથજી વાસુદેવાનંદ સરસ્વતી મહારાજની કર્મઠ પરંપરાના વાહક હતા. ભક્તોમાં તેઓ ‘બાપજી’ના હુલામણા નામથી ઓળખાતા હતા. વેદ-પુરાણ અને અનેક હિન્દુધર્મના ગ્રંથોના ગુઢાર્થને જાણનારા હોવાથી દેશ-વિદેશમાંથી લોકો તેમજ સાધુ-સંતો, ઉપરાંત બનારસ યુનિવર્સિટી અને અન્ય યુનિવર્સિટીના વિદ્વાનો, જીજ્ઞાાસુઓ શાસ્ત્રાર્થ જાણવા તથા માર્ગદર્શન મેળવવા સુરત આવતા હતા.
અવધૂતજી અખિલ ભારત સાધુ સમાજના પશ્વિમ ઝોનનાં અધ્યક્ષ હતા. ભારતીય સંસ્કૃતિ, સાધુ-સંતોનો આદર, મૌલિક સંશોધન, ગૌસેવા, સમાજસેવા આ બધા કાર્યોમાં હમેશા અગ્રેસર રહેતા હતા.
દિવસભર ભક્તિ અને ભક્તોને સત્સંગમાં તરબોળ કરવામાં જ એમના જીવનનો આનંદ હતો. આવા વિરલ સંતની વિદાયથી ભક્તો શોકમાં ગરકાવ થયા છે.