સાપુતારા, વઘઈઃ સુરતની મહિલા તબીબ બીના વિરાણીની હત્યાના હાઇપ્રોફાઇલ મર્ડર કેસનો ભેદ વઘઈ પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મળીને ઉકેલીને બે આરોપીઓની ધરપકડ કર્યા પછી આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે નવમી મેએ આ આરોપીઓના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતાં.
વઘઈ નજીકના સાકરપાતળ ગામ નજીકનાં કુંડના પુલ નીચેથી હોમિયોપેથિક તબીબ નિલેશ વિરાણીની તબીબ પત્ની બીના વિરાણીની લાશ મળી હતી. એ પછી પોલીસ અને ક્રાઈમ બ્રાંચે સર્વેલન્સ સીસીટીવી ફુટેજ ચેક કરતાં ખૂલ્યું કે, બીનાનાં પતિનાં બાળપણનાં મિત્ર અને ઉદ્યોગપતિ સંજય ડોબરિયાએ તેના સાથી તારીક અબ્દુલ રજાક શેખ સાથે મળીને બીનાની હત્યા કરીને તેની લાશ પુલ નીચે ફેંકી દીધી હતી.
બીનાની કોલ ડિટેઈલ ચેક કરતાં પોલીસને જાણવા મળ્યું હતું કે સંજય સાથે બીનાના આડા સંબંધો હતા. આ અંગે સંજયે પોલીસ સમક્ષ કબૂલ્યું છે કે, પરણિત અને ૧૧ વર્ષના બાળકના પિતા સંજયને બીના સતત સાથે રહેવા માટે દબાણ કરવા લાગી હતી અને તે સંજયને તેની પત્નીને છૂટાછેડા આપી દેવા કહેતી રહેતી હતી. સંજય તેની સાથે રહી શકે તેમ નહોતો. બીનાના વધતા દબાણના કારણે તેણે અબ્દુલ સાથે મળીને બીનાની જ હત્યા કરી હતી.
બીજી તરફ નિલેશ વિરાણીએ પોલીસને જણાવ્યું કે, સંજય તેના ઘરે આવતો જતો અને બીના સાથે પણ તેને સારા સંબંધો હતા, પણ બાળપણનો મિત્ર હોવાથી નિલેશને બંને પર શંકા ગઈ નહોતી.
આ કેસમાં આરોપીઓની વધુ પૂછપરછ માટે પોલીસે કોર્ટ સમક્ષ ૧૪ દિવસનાં રિમાન્ડની માગ કરતા કોર્ટે આરોપીઓનાં સાત દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યાં હોવાનું જાણવા મળે છે.