સુરતઃ દેશવિદેશમાં વસતા ભારતીઓએ ૧૫ ઓગસ્ટે ભારતના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વિવિધ રીતે કરી હતી. જોકે, જર્મનીના બર્લિન શહેરમાં એક ગુજરાતી તબીબે અનોખી રીતે આ રાષ્ટ્રીય તહેવારની ઉજવણી કરી હતી. બર્લિનમાં યોજાયેલી ૧૦૦ માઇલ્સ (અંદાજે ૧૬૦ કિ.મી.) અંતરની ઇન્ટરનેશનલ મેરેથોનમાં ભારતમાંથી એકમાત્ર દોડવીર તરીકે સુરતના ડો. નેહલ પટેલે ૨૫ કલાક અને ૪૫ મિનિટ સુધી અવિરત દોડીને ભારત અને ગુજરાતનું નામ વિશ્વમાં રોશન કર્યું હતું.
બર્લિનમાં ૧૫ ઓગસ્ટે વહેલી સવારે ૧૦૦ માઇલ્સની ઇન્ટરનેશનલ મેરેથોન દોડને ફ્લેગ ઓફ આપવામાં આવ્યો ત્યારે ભારતમાં સાંજે લગભગ ચાર વાગ્યા હતા. આ મેરેથોન દોડ પર સુરતના હજારો લોકોની નજર હતી. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ ડો. નેહલ ૧૦૦ માઇલ્સનું અંતર કાપી રહ્યા હતા અને સુરતમાં પ્રશંસકોને તેમના અપડેટ્સ સુરતી રનર્સ ગ્રૂપના ડો. પ્રણવ દેસાઇ આપતા હતા. જર્મનીના બર્લિન ખાતે યોજાયેલી આ ઇન્ટરનેશનલ મેરેથોન દોડમાં ક્વોલિફાય થવું એ પણ લોઢાના ચણા ચાવવા બરાબર કહેવાય છે.