સુરત: કોરોના કાળમાં ફ્રન્ટલાઇન વોરિયર્સની જવાબદારી બમણી થઇ પડી છે. ગત ૨૨મી માર્ચથી સતત ૮૭ દિવસ સુધી કોરોના વોરિયર્સ કામે લાગ્યા હતા. સુરતના એક દાનવીરે આ ૪૫ જેટલા કોરોના વોરિયર્સને તાજેતરમાં ગોવાની ટ્રીપ કરાવી તેમના કામના દબાણને હળવું કરવા પ્રયાસ કર્યો છે. તેમની આ પહેલને કોરાના વોરિયર્સે હર્ષભેર વધાવી લીધી છે.
મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ શુભ પ્રસંગોમાં વધેલું ભોજન એકઠું કરીને સુરત આસપાસ ૧૦૦ કિલોમીટર સુધીના વિસ્તારમાં આવતાં જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવા સહિતના અનેક સેવાકીય કાર્યો કરે છે. આ સંસ્થાના ૪૫ સ્વયંસેવકોએ કોરોના લોકડાઉન દરમિયાન સતત ૮૨ દિવસ દરરોજ ૬ હજારથી વધુ જરૂરિયાતમંદોને રસોઈ બનાવીને જમવાનું પહોંચાડયું હતુ.
આ દિવસો દરમિયાન મુસ્કાનનાં રસોડે અલગ અલગ મહાનુભાવો સાથે મુસ્કાન ટ્રસ્ટીઓ આવતા હતા. એમાંના એક ટ્રસ્ટી ઘનશ્યામભાઈ દુર્લભભાઈ જાદવાણી (સર્વમ્ ક્રિએશન)ને વિચાર આવ્યો કે, દિવસરાત સતત મહેનત કરતા આ સ્વયંસેવક યોદ્ધાઓ માટે કાંઈક અનોખું કરવું જોઈએ, જેથી તેમનો તન-મનનો તણાવ હળવો થાય.
તેમણે મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ રાકેશભાઈ ગોધાણીને કહ્યું કે લોકડાઉન પૂરું થયા પછી આ તમામ સ્વયંસેવકોને તેઓ પોતાના ખર્ચે વ્યવસ્થિત રીતે ગોવા લઈ જશે અને ફેરવશે. તાજેતરમાં તેમણે ૪૫ સભ્યોને એસી ટ્રેનમાં ગોવા આવવા-જવા સાથે ત્યાં ભોજનની તકલીફ ન થાય એ હેતુથી સુરતી મહારાજ સાથે ત્રણે ટાઈમ સાત્વિક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.