માર્ગ દુર્ઘટનામાં અકાળે મૃત્યુને ભેટેલા સુરતના દિશાંક જરીવાલાનું હૃદય રાજસ્થાનમાં આવેલા અલવરના વતની ૪૩ વર્ષીય મોઇનુદ્દીન ખાનમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. ૩૦મી એપ્રિલના રોજ દિશાંકને ખાનગી હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યો હતો. એ પછી પરિવારજનોએ દિશાંકનું હૃદય દાન કરવાનો નિર્ણય લઈ ડોનેટ લાઇફ સંસ્થાના માધ્યમથી તેના હૃદય દાન કર્યું હતું. હૃદયને માત્ર ૭૫ મિનિટમાં સુરતથી મુંબઈ લઈ જવામાં આવ્યું હતું અને મુંબઈની જી મુલુંદની ફોર્ટીઝ હોસ્પિટલમાં મોઇનુદ્દીનમાં હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.
• હથોડા-વેલાછા અને હથોડા-કઠવાડા રોડનું લોકાર્પણઃ હથોડા-વેલાછા-મોટા બોરસરા અને હથોડાથી કઠવાડા સુધીનાં તૈયાર થયેલા બન્ને માર્ગનું લોકાર્પણમાં ગરોળના ધારાસભ્ય અને રાજ્યસભાના અધ્યક્ષ ગણપત વસાવાના હસ્તે પહેલી મેના રોજ કરાયું હતું. હથોડા-વેલાછા-મોટા બોરસરાના માર્ગ માટે રાજ્ય સરકારે રૂ. ૨.૬૨ કરોડ મંજૂર કર્યા હતા. આ ઉપરાંત રૂ. પહેલીએ રૂ. ૫.૫૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા હથોડા-કઠવાડા ગ્રામ્ય રોડનું લોકાર્પણ પણ કરાયું હતું.
• સૈયદના સાહેબની હાજરીમાં ૨૦૦ યુગલોના પ્રભુતામાં પગલાંઃ દાઉદી વહોરા સમાજના સમૂહલગ્ન રવિવારે યોજાયા હતા. જેમાં સંમેલિત થવા માટે દુનિયાભરના દાઉદી વહોરા સમાજના બિરાદરો સુરત ખાતે પધાર્યા હતા અને સૈયદસાહેબની હાજરીમાં સાંજે પાંચ કલાકે ઝાંપાબજાર દેવડી ખાતે ૨૦૦ જેટલા દુલ્હાઓની ભવ્ય સવારી નીકળી હતી. એ પછી દેવડી ખાતે શાહી બેન્ડ સહિત તેમનાં નિકાહ થયાં હતાં.
• યુગલોએ સંતાનોને સેનામાં મોકલવાની પ્રતિજ્ઞા લીધીઃ સુરતમાં નેશનલ યુવા સંગઠન અને જય હિંદવાપીર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રવિવારે સાંજે યોગી ચોક પાસે જય સરદાર ફાર્મ ખાતે બીજો સમૂહલગ્ન યોજાઈ ગયો હતો. જેમાં ૨૬ યુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા. તમામ યુગલોએ તેમના ભાવિ સંતાનોને ભારતીય સેનામાં મોકલવા માટે પ્રતિજ્ઞા લીધી હતી. આખો સમારંભ ભારતીય સેનાથી રંગાયેલો હતો. કાર્યક્રમ દરમિયાન દેશભક્તિના ગીતો વાગ્યા હતા.