સુરતઃ મેસર્સ નકોડા લિમિટેડના માલિકે નાણાકીય વ્યવહારોની આંટીઘૂંટી કરી એન્ટ્રીઓ પાડવા માટે પુનિત રૂંગટા અને સીએ જગદીશ સોમાવાણી સાથે ગુનાહિત કાવતરું કરીને કેનેરા બેન્કની આગેવાની હેઠળની ૧૩ બેન્કોના કો-સોર્ટિયમ પાસેથી રૂ. ૨૧૦૭ કરોડની ખોટી રીતે એલસી (લેટર ઓફ ક્રેડિટ) મેળવીને ચૂકવણી કરી નહોતી. બેન્કોના ડિફોલ્ટ જાહેર થઈ ગયા પછી સીબીઆઈએ કેસ રજિસ્ટર્ડ કરીને કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કર્યા પછી અમદાવાદ એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઇડી) દ્વારા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ એક્ટ (પીએમએલએ) હેઠળ ગુનો દાખલ કર્યો હતો. લાંબી તપાસ બાદ ઇડીએ નકોડા લિમિટેડના ચેરમેન કમ એમડી બાબુલાલ ગુમાનમલ જૈન અને જોઇન્ટ એમડી તરીકે પુત્ર દેવેન્દ્ર બાબુલાલ જૈનની સુરતમાં આવેલી ફેક્ટરી, પ્લાન્ટ અને જમીન મળીને રૂ. ૩૭૫.૭૧ કરોડની મિલકત ટાંચમાં લીધી છે. બેન્ક લોનના કાંડમાં રાજ્યના ઈડીએ મિલકત ટાંચમાં લીધી હોવાાનો પ્રથમ કેસ છે.