સુરતઃ બોલિવૂડના કલાકારોને વેનિટી વેન્સ પૂરી પાડનાર કેતન રાવલ અને તેમના ભત્રીજા ધૈર્ય રાવલે પોતાની ૧૮ વેનિટી વેન્સ મુંબઈ પોલીસને લોકડાઉન દરમિયાન વાપરવા આપી છે. વૈભવી સગવડો ધરાવતી આ વેનિટી મેળવીને ખાસ કરીને મહિલા પોલીસને રાહત થઇ ગઇ છે. લોકડાઉન દરમિયાન રસ્તા ઉપર ધમધોખતા તાપમાં પોલીસ સ્ટાફને જમવા માટે અને વોશ રૂમ વાપરવા માટે ખાસ ઉપયોગમાં આવી છે.
લાંબી બસની ચેસિસ ઉપર તૈયાર કરાયેલી દરેક વેનિટી વેનમાં ૩-૩ રૂમ આવેલાં છે. સંપૂર્ણ એરકંડીશન વેનમાં દરેક રૂમમાં અલગથી ટોયલેટ, બેસવા માટે અને આરામ કરવા માટેની વ્યવસ્થા છે. મુંબઇના જોગેશ્વરી વિસ્તારમાં ફરજ બજાવી રહેલી મહિલા પોલીસ કોન્સટેબલે તેમના અનુભવ અંગે કહ્યું કે, લોકડાઉનમાં બધુ જ બંધ હોય, તેવી સ્થિતિમાં અમારે વોશરૂમનો ઉપયોગ કરવા માટે પાંચ-દસ કિલોમીટર જેટલું ચાલીને જ્યાં પોલીસ ચોકી હોય ત્યાં જવું પડતું હતું. જોકે, વેનિટિને લીધે અમારી ખૂબ મોટી આ તકલીફો દૂર થઈ ગઈ છે.
નુકસાન સામે પોલીસને મદદરૂપ થવાની ખુશી
રાવલ પરિવારના સભ્યોએ કહ્યું કે, લોકડાઉનના કારણે તમામ ફિલ્મોના શૂટિંગ બંધ થઇ ગયા છે. તમામ વેન નોનયુઝ પડી રહી છે. એટલે રોજ સરેરાશ એક લાખ રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે. જોકે મને આ વાતની ફિકર નથી, પરંતુ મને તો ખુશી છે કે મારી વેન્સ હાલની પરિસ્થિતિમાં પોલીસને કામ આવી રહી છે.