સુરતના નામાંકિત બિલ્ડર હિતેશ દેસાઇએ જોધપુરથી રૂ. એક કરોડની કિંમતનો મારવાડી નસલનો ઘોડો ખરીદ્યો છે. હિતેશ દેસાઇ કહે છે કે, ૬૮ ઇંચ ઉંચાઇ ધરાવતો ઘેરો બદામી રંગનો ઘોડો અત્યાર સુધીનો સૌથી મોંઘો અને સૌથી વધારે ઉંચાઇ ધરાવતો ઘોડો છે. ઘોડાનું નામ એન્ડી રાખ્યું છે. એન્ડીને ૧૩મીએ રાજગરી ગામમાં યોજાનારા અશ્વ શોમાં રજૂ પણ કરાયો છે.
માતા-પિતા ચેમ્પિયન
એન્ડીના માતા-પિતા ઓલ ઈન્ડિયા હોર્સ સોસાયટી જોધપુરમાં રજિસ્ટર્ડ છે. એન્ડીની માતા ચાર વખત હોર્સ ચેમ્પિયન બની છે અને પિતા સાત વખત ચેમ્પિયન રહ્યા છે.
એન્ડી પાછળ મહિને રૂ. ૩૨ હજારનો ખર્ચ
હિતેશભાઈએ એન્ડીની સારસંભાળ અને માવજત માટે મહિને રૂ. ૨૦,૦૦૦ના પગારથી એક સ્પેશિયલ મેનેજર રોક્યો છે. એન્ડીના ખોરાક માટે મહિને ૧૨,૦૦૦ ખર્ચ ધારવામાં આવ્યો છે.
એન્ડીની જેવો બીજો કોઈ ઘોડો જ નથી
હિતેશભાઈ કહે છે કે, મારા અસ્તબલમાં ૪૫ જેટલાં મારવાડી નસલના ઉત્તમ ઘોડા છે, પણ એન્ડી જેવો બીજો કોઈ ઘોડો નથી. એન્ડી પુષ્કર મેળામાં બ્યૂટી ચેમ્પિયન રહ્યો છે. હું માનું છું કે, એન્ડીની સરખામણી કોઈ પણ ઘોડા સાથે કરી શકાય નહીં.