સુરતઃ મૂળ અમરેલીના વતની અને સુરતમાં વરાછા હીરાબાગ ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા ૪૫ વર્ષીય જયરાજસિંહ આંબાભાઈ જોધાણી વરાછા હીરાબાગ બચકાનીવાલા કમ્પાઉન્ડ જયભવાની કૃપામાં જોધાણી એક્સપોર્ટના નામે હીરાનું કારખાનું ધરાવે છે. દોઢ વર્ષ અગાઉ જયરાજની અમદાવાદના મિત્ર જલ્પેશ બોરડે તેમના સંબંધી દિનેશભાઈ કુરજીભાઈ ચોડવડિયા (રહે. ૧૭ મઇનગર સોસાયટી, સીમાડા નાકા, સુરત) સાથે ઓળખાણ કરાવી હતી. દિનેશભાઈ વરાછા મિનિ બજાર ડાયમંડ વર્લ્ડ બી-૭૦૨માં હેતલ જેમ્સના નામે તનસુખભાઈ વાણીયા (રહે. ૯૦૧, પ્રમુખ આરણ્ય, પરવત ગામ, સુરત) ભાગીદારીમાં ઓફિસ ધરાવતા હતા. ત્યાં તેમનો પુત્ર કિશન પણ બેસતો હતો. ત્રણેયે એક વર્ષ અગાઉ જયરાજભાઈ પાસેથી કુલ રૂ. ૨ કરોડ ૭૦ લાખ ૧૦ હજાર ૭૭૮ના તૈયાર હીરા લઈ તેમાંથી માત્ર રૂ. ૮૧ લાખ ૦૮ હજાર ૮૮૬ ચૂકવી આપ્યા હતા. રૂ. ૨ કરોડ ૧૧ લાખ ૯૬ હજાર ૯૧૪ જયરાજભાઈએ લેવાના બાકી નીકળતા હતા.
૯૦ દિવસમાં પેમેન્ટનો વાયદો હોવા છતાં સમયસર પેમેન્ટ નહીં કરનારા ત્રણેયને કોરોનાને લીધે લોકડાઉન થતાં જયરાજભાઈએ વધુ ૯૦ દિવસની મુદત આપી હતી. છતાં તેઓ લોકડાઉનને લીધે પેમન્ટ આવતું નથી કહી ટાળતા હતા અને બીજો માલ આપશો તો બધુ પેમેન્ટ સાથે કરી દઈશું તેમ કહેતા હતા. જયરાજભાઈએ તેમના કહેવા મુજબ જૂન-જુલાઈ ૨૦૨૦માં પોતાની મુંબઈ ભારત ડાયમંડ બર્શ સ્થિત એમ. એસ. જોધાણી એક્સપોર્ટ ઓફિસથી રૂ. ૩ કરોડ ૨૮ લાખ ૧૨ હજાર ૬૩૦ની કિંમતના તૈયાર હીરા દુબઈ સ્થિત તેમની પરીશી ડાયમંડ એન્ડ ગોલ્ડ જ્વેલરી કંપનીમાં એક્સપોર્ટ કર્યાં હતાં. જોકે, પેમેન્ટ માટે ઉઘરાણી કરતાં તેમને ૧૦ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ ૧૦૦ ટકા રૂપિયા આપી દઈશું તેમ કહ્યું હતું, પરંતુ તે જ દિવસે તેમણે ઓફિસ બંધ કરી દીધી હતી અને ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. આથા જયરાજભાઈને કરોડોની ખોટ આવી પડી હોવાનું નોંધાયું છે.