સુરત: ઘરેથી કામ અર્થે જઇ રહ્યા હોવાનું કહીને કાર લઈને નીકળ્યા બાદ ગુમ થયેલા પાલનપુર પાટીયાના કાપડના આધેડ વેપારીની ઝેર પીધેલી હાલતમાં લાશ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. નાણાકીય ભીંસ અને પરિવારમાં ચાલતા મિલકતના વિવાદને લીધે તેમણે આ પગલું ભર્યું હોવાની શક્યતા છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાંદેરના પાલનપુર પાટિયા ખાતે રહેતા ૪૮ વર્ષીય જયેશભાઈ સરૈયા ૨૮ ઓગસ્ટના રોજ સવારે કામ અર્થે જઇ રહ્યા હોવાનું કહીને કાર લઈને નીકળ્યા હતા. સાંજ સુધી તેઓ પરિવારના સભ્યો સાથે મોબાઈલ ઉપર સંપર્કમાં હતા. ત્યારબાદ તેમનો મોબાઈલ બંધ થઈ જતાં ચિંતામાં મુકાયેલા પરિવારે શોધખોળ શરૂ કરી હતી. જોકે ક્યાંય ભાળ નહીં મળતાં રાંદેર પોલીસમથકમાં ફરિયાદ નોંધાવાઇ હતી.
દરમિયાન ૩૦મીએ સાંજે જહાંગીરપુરાના મધુવન પાર્ટી પ્લોટ પાસે એક કારમાં અજાણી વ્યક્તિ બેભાન હાલતમાં હોવાનો પોલીસને મેસેજ મળતાં ત્યાં પહોંચી તપાસ કરતાં તે વ્યક્તિ વેપારી જયેશ સરૈયા હોવાની ઓળખ થઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ જયેશ સરૈયા બોમ્બે માર્કેટમાં દુકાન ભાડે રાખીને કાપડનો વ્યવસાય કરતા હતા, પણ લોકડાઉનમાં ધંધો થયો નહીં અને દુકાનનું ભાડું ચડી ગયું હતું.