સુરતઃ બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લેવાના કૌંભાડો બાદ જીએસટી વિભાગ શંકાસ્પદ કિસ્સામાં નોટિસ પાઠવી રહ્યો છે. ઘણા કિસ્સામાં સામાન્ય લોકોના દસ્તાવેજનો ખોટી રીતે ઉપયોગ કરીને જીએસટી નંબર મેળવાયા હોવાનું પણ ખૂલી રહ્યું છે. આ જ પ્રકારનો એક કિસ્સો તાજેતરમાં ધ્યાનમાં આવ્યો છે. જીએસટી વિભાગે એક વિદ્યાર્થીને તાજેતરમાં રૂ. ૯ કરોડનો ટેક્સ ભરવાની નોટિસ પાઠવી હોવાનું જાણવા મળી રહ્યું છે. સીજીએસટી વિભાગે તાજેતરમાં વરાછા લંબેહનુમાન રોડ વિસ્તારના રહીશ અને બી.કોમના ત્રીજા વર્ષના વિદ્યાર્થી બી. પંચાલને રૂ. ૯ કરોડનો ટેક્સ ભરવા નોટિસ પાઠવી હતી. નોટિસ મળ્યા પછી વિદ્યાર્થી ભયભીત થઈ ગયો હતો. વિદ્યાર્થી તેના એક વેપારી મિત્ર પાસે ગયો હતો. તપાસમાં જાણવા મળ્યું કે, રાહુલ નામના એક યુવકે તેને નોકરી અપાવવાનું કહીને તેની પાસે પાનકાર્ડ, આધારકાર્ડ તથા ફોટો સહિતના દસ્તાવેજ મેળવી લીધા હતા. જેના આધારે જીએસટી નંબર મેળવાયો હતો. તેના નામે રિટર્ન પણ ભરાયું હતું અને તેના ખાતામાંથી મોટા ટ્રાન્ઝેકશન કરાયા હતા. વિદ્યાર્થી આ કોઈ વ્યવહારોથી માહિતગાર નહોતો.
કરોડોના આ ટ્રાન્ઝેકશનને આધારે તેને રૂ. ૯ કરોડના ટેક્સની નોટિસ પાઠવાઇ હતી. આ સંદર્ભે વિદ્યાર્થીએ વરાછા પોલીસમાં અરજી કરી હતી. આ અંગે વરાછા પોલીસે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીની અરજી મળ્યા પછી આ કેસમાં વધુ તપાસ ચાલુ છે. બેંક એકાઉન્ટનું બારીકાઈથી ક્રોસ વેરિફિકેશન થઇ રહ્યું છે. તપાસમાં બહાર આવનારી વિગતના આધારે પગલાં ભરાશે.
અન્ય એક કિસ્સામાં એક મહિલાને પણ રૂ. ૧.૫ કરોડનો ટેક્સ ભરવા નોટિસ પાઠવવામાં આવી છે. મહિલા તેના આર્થિક વ્યવહારો અંગે માહિતગાર છે કે નહીં અથવા તેની સાથે ક્યા પ્રકારે છેતરપિંડી થઈ તેની તપાસ ચાલે છે.