સુરતઃ ઘોડદોડ રોડ પર પ્રખ્યાત બેગના વેપારીનું ૨૭મી જાન્યુઆરીએ અપહરણ થયું અને તેમના પિતા પાસેથી રૂ. એક કરોડની ખંડણી વસૂલનાર ટોળકીના આઠ જણાને શહેર પોલીસે કોસંબા હાઇવે ઉપર બ્રિજ પાસેથી ઓપરેશન ગોઠવી તાજેતરમાં ઝડપી લીધા હતા. ખંડણી તરીકે વસૂલે કરાયેલાં રૂ. એક કરોડમાંથી ૯૯.૧૪ લાખ પણ પોલીસે કબજે કર્યા હતા. અપહરણકારો પાસેથી બે તમંચા અને કાર્ટીજ પણ મળી આવ્યા હતા. પોલીસે જણાવ્યા પ્રમાણે આ કાવતરાનો મુખ્ય સૂત્રધાર આ વેપારી સાથે ધંધાકીય સંબંધ ધરાવતો હતો અને બેગના કારખાનામાં દેવું થઇ જતાં રામપુરાના ઇર્ષાદ ઉર્ફે છોટુ મુલતાની હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તેની પણ ધરપકડ કરી હતી. જોકે એક આરોપી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો.
પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, ઘોડદોડ રોડ ઉપરથી ૩૬ વર્ષીય કોમિલ અનવર દૂધવાલાને સવારે સાડા છ વાગ્યે કારથી ટક્કર મારી કારમાં સવાર ચાર જણા ખેંચી ગયા હતા. એક કલાક બાદ જ તેના પિતા અનવર દૂધવાલાને ફોન કરીને રૂ. ૩ કરોડની ખંડણી માગવામાં આવી હતી.
અપહ્રતના પિતાએ પોલીસનો સંપર્ક કર્યો ત્યારથી જ પોલીસને કામે લગાવી દેવાઇ હતી. અપહરણકારો કોમિલના જ ફોનથી ખંડણી માગી રહ્યા હતા અને તેનું લોકેશન કીમથી માંડવી વચ્ચે આવી રહ્યું હતું. આ કેસમાં જિલ્લા પોલીસ અને ભરુચ પોલીસની પણ મદદ લીધી હતી. રૂ. એક કરોડની ખંડણી ચૂકવાઇ તે પણ પોલીસની એક યોજનાનો જ ભાગ હતો જેથી અપહ્રત મુક્ત થઇ શકે. કોમિલ મુક્ત થયો તે સાથે જ પોલીસ એક્શનમાં આવી હતી.
આ ગેંગના સભ્યો કોસંબા હાઇવે ઉપર સ્કોડા કાર, અર્ટીગા અને પલ્સર લઇને ભાગબટાઇ માટે ભેગાં થયા હતા ત્યારે જ ક્રાઇમ બ્રાન્ચે ઓપરેશન પાર પાડી મુખ્ય સૂત્રધાર રામપુરાના ઇર્શાદ ઉર્ફે છોટુ સમશેર મુલતાની સહિત નાનપુરાના ઇસ્તિયાક રફીક શેખ, પૂણાના સંતોષ ઉર્ફે સાહિદ સુનિલ પાટીલ, કીમના અજય રત્ના ડામલા (ભરવાડ), સીમાડાના ફૈઝાન ખાન નબીખાન ઉસ્માન, સાયણના ચિરાગ ગોપાલ યાદવ, કાપોદ્રાના સોનુ દેવપુરી ગોવિંદપુરી ગોસ્વામી અને સૈયદપુરાના અરવિંદ માવજી વાઢેરને ઝડપી લીધા હતા.