સુરતઃ સુરતના મોટા ગજાના બિલ્ડર હિતેશ રબારીએ ૨૨મીએ રાત્રે દોઢ વાગ્યાની આસપાસ પોતાના મટવાડાના વીર સ્ટડ ફાર્મહાઉસ પર પોતાને કપાળમાં ગોળી મારીને આપઘાત કર્યો હતો. આપઘાત પહેલાં હિતેશે પિતા મગનભાઈને ફોન કરીને કહ્યું હતું કે, તેના દીકરા મીરનું ધ્યાન રાખે. આ ઘટનાની પોલીસે તપાસ કરતાં અનેક રહસ્યો બહાર આવતાં જાય છે. હિતેશના મિત્રો પાસેથી કથિત રીતે જાણવા મળ્યું હતું કે, એક પંદરેક વર્ષના દીકરાની સાધન સંપન્ન પરિણીતા સાથે એફેરના કારણે હિતેશના નામાંકિત રબારી પરિવારમાં ઝઘડા થવાથી તેણે આપઘાત કર્યો હતો. પોલીસને એ પણ જણાયું કે, અલગ અલગ વ્યક્તિ ફોન કરીને હિતેશને બ્લેકમેલ કરતા અને ધમકી આપતા હતા તેથી કંટાળીને કદાચ હિતેશે જિંદગી ટુંકાવી હતી. ત્રીજી વાત એવી બહાર આવી છે કે, છેલ્લાં બે અઢી વર્ષથી હિતેશના તેના ભાઈ સાથે બોલવાના પણ સંબંધો રહ્યા ન હતા અને હિતેશ ઓફિસ પર પણ જતો નહોતો. તેથી પરિવાર સાથે અણબનાવથી તેણે આપઘાત કર્યો છે. એક ચર્ચા એ પણ છે કે છેલ્લા એક અઠવાડિયામાં હિતેશના બેંક એકાઉન્ટમાંથી મોટી રકમ ઉપાડાઈ છે અને એક સ્વરૂપવાન પરણિતા તેના આપઘાતનું કારણ હોવાનું મનાય છે.
આ પરિણીતા કથિત રીતે હિતેશને જિમમાં મળી હતી. પોલીસ તપાસમાં જણાયું છે કે તે જિમમાં આવતા હાઈ પ્રોફાઈલ યુવાનોને મોહજાળમાં ફસાવે છે અને તેમને લૂંટી લે છે. આ સ્ત્રીએ આ રીતે જ ચાર વર્ષ પૂર્વે સુરતનાં સિટીલાઇટ રોડ પર રહેતા એક કાપડના વેપારીને પણ પોતાની મોહમાયામાં ફસાવ્યો હોવાનું કહેવાય છે. તે વેપારીએ પણ આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું છે.
હિતેશના નજીકનાં મિત્રોએ જણાવ્યું હતું કે, આ સ્ત્રી હિતેશને એટલો હેરાન કરતી હતી કે હિતેશ કેટલોક સમય પરદેશ ગયો હતો અને ભારતમાં હતો ત્યારે પણ તેણે આ સ્ત્રીનાં ફોન રિસિવ કરવાના બંધ કરી દીધાં હતાં. જોકે આ મહિલા હિતેશનો પીછો છોડવા માગતી ન હતી.