સુરતઃ જયેશ ઉર્ફે જયરૂપ ચૌહાણ. કોલેજકાળમાં ચાર્લી ચેપ્લીન તરીકે ઓળખાતો અને મંચ પર ચાર્લી જેવી એક્ટિંગ કરી પ્રેક્ષકોના ચહેરા પર હાસ્યનું મોજું લાવનાર જયરૂપ આજે ૪૫ ગરીબ બાળકોના જીવનમાં રોજ હાસ્યની લહેર ઉમેરી રહ્યા છે.
જયરૂપ ચાર્લીએ કરૂણાબહેનને સાથે રાખીને ૨૦૦૧માં ચાર્લી હેલ્પ યુનિવર્સિટી ટીમ નામના ટ્રસ્ટની રચના કરી. એક મકાન ભાડે લીધું અને સ્લમ, ફૂટપાથ પર રઝળતા બાળકોને એકત્ર કરવાનું શરૂ કર્યું. પાંચ બાળકોથી શરૂ થયેલી આ સેવાયાત્રા આજે ૪૫ બાળકો સુધી પહોંચી છે. હવે જયરૂપ પાસે એક દાતા દ્વારા બાળકો માટે દાન કરાયેલું રૂસ્તમપુરામાં ચાર માળનું મકાન છે. આ ૪૫ બાળકોના રહેવા, કપડાં, જમવા, સ્કૂલ, ટયૂશન તમામ ખર્ચ જયરૂપ ચૌહાણ એક પિતા તરીકે ઉઠાવે છે. દીકરીઓ વનિતા વિશ્રામ અને દીકરાઓ જીવનભારતીમાં ભણે છે. તમામ બાળકોને સારામાં સારા ટયૂશનમાં મોકલાય છે.
નાટયકાર યઝદી કરંજિયાને યાદ કરતા જયરૂપ કહે છે હું જ્યારે ચાર્લી ચેપ્લીન તરીકે સ્ટેજ પર પર્ફોમ કરતો ત્યારે યઝદી કહેતા જયરૂપ તારા અંદરનો ચાર્લી ક્યારેય મરવા ન દેતો. તેમના શબ્દો મેં જીવનમાં ઉતાર્યા છે. પહેલાં મંચ પર એક્ટિંગ કરી લોકોને હસાવતો હવે રિયલ લાઈફમાં એક ઉમદા પિતાની ભૂમિકા ભજવી ગરીબ બાળકોના જીવનમાં હાસ્ય ઉમેરું છું.
માતાએ દીકરીને વેશ્યાવૃત્તિમાં ધકેલી, જયરૂપે બહેતર જીવન આપ્યું
થોડા વર્ષો પહેલાં ૯ વર્ષની એક કિશોરીને રેલવે પોલીસે પકડી હતી. આ કિશોરી વેશ્યાવૃત્તિ કરતી હોવાનો આરોપ હતો. પોલીસે જયરૂપભાઈને બોલાવ્યા. ત્યારે કિશોરીની હાલત એવી કે તે પુરુષને જોઈને થથરી ઉઠતી હતી. આ કિશોરીને તેની માતાએ જ વેશ્યાવૃત્તિના ધંધામાં ધકેલી હતી. જયરૂપભાઈ અને કરૂણાબહેન તેમને ચાર્લી હોમમાં લઈ આવ્યા. ઘણા દિવસો સુધી ખૂણામાં બેસી રહેતી તે કિશોરી આજે ૪૪ ભાઈ-બહેનો સાથે ખિલખિલાટ હસે-રમે છે. આ કિશોરીના ચહેરાનું હાસ્ય જોઈ જયરૂપ પોતે સાચો પિતા બન્યાનો અનુભવ કરે છે.