સુરતઃ સુરતની અઠવાલાઇન્સ આદર્શ સોસાયટીમાં રહેતા અને જાણીતા આયુર્વેદ તબીબ ડો. આનંદ વૈદ્યની બે દીકરીઓ ૨૫ વર્ષીય અદિતિ અને ૨૧ વર્ષીય અનુજાએ ૨૨મીએ વહેલી સવારે માઉન્ટ એવરેસ્ટની ટોચ પર પહોંચીને દેશનો ત્રિરંગો લહેરાવ્યો હતો. તે સાથે જ સુરત અને ગુજરાતનું નામ પણ વિશ્વમાં રોશન કરી દીધું હતું.
નોંધનીય છે કે, ૧૯૫૩ની સાલમાં એડમન્ડ હિલેરી અને શેરપા તેન્સિંગે પ્રથમવાર ૨૯ હજાર ફૂટની ઊંચાઇએ આવેલા માઉન્ટ એવરેસ્ટને સર કર્યું હતું. ત્યાર બાદ ૧૯૮૪માં બચેન્દ્રી પાલ પહેલા ભારતીય મહિલા બન્યા હતા. જોકે, હમણાં સુધી ગુજરાતમાંથી એકેય મહિલાએ આ ગૌરવ મેળવ્યું ન હતું, પરંતુ હવે સુરતની બે બહેનોના સાહસને કારણે એકસાથે બે ગુજરાતી દીકરીઓએ એવરેસ્ટ સર કરી અનેરી સફળતા હાંસલ કરી છે.
અદિતિ અને અનુજા વૈદ્યએ ૩૦ માર્ચના રોજ એવરેસ્ટ બેઝકેમ્પ પરથી પર્વતારોહણની શરૂઆત કરી હતી. હિમાલય પર સતત બદલાતા વાતાવરણ અને માઇનસ ૪૦ ડિગ્રી તાપમાનના પડકાર વચ્ચે બન્ને બહેનોએ સતત ઝઝુમવાની સાથે ૨૨ મેના રોજ એવરેસ્ટ સર કર્યું હતું.
૩૦ માર્ચે એવરેસ્ટ સર કરવા ગયેલી ટીમમાં સુરતની અદિતિ અને અનુજા સાથે વિશ્વના અન્ય દેશોના ૧૪ સાહસિકો અને ૨૫ શેરપા પણ હતા. તેમની સાથે ૨૫ શેરપાઓની ટીમ હતી. આ તમામ દ્વારા એવરેસ્ટ પર સફળ આરોહણ કરાયું છે.