સુરત: કોસાડના ૪૧ વર્ષીય ઇલાબહેન નીતિનભાઇ પટેલ (રહે. બસ સ્ટેન્ડ પાસે, જૂના કોળીવાડ, કોસાડ)ને ૨૭ સપ્ટેમ્બરે રાત્રે ચક્કર તેમજ ખેંચ આવતાં તેઓ બેભાન થઇ ગયાં હતાં. પરિજનોએ તેમને તાત્કાલિક વિનસ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યાં હતાં. સિટીસ્કેનમાં કરાવતાં જણાયું કે મગજની નસ ફાટી જવાથી લોહીનો ગઠ્ઠો જામી ગયો છે અને મગજમાં સોજો આવ્યો છે.
૨૯મી સપ્ટેબરે તેમને બ્રેઈનડેડ જાહેર કરાયા એ પછી ઇલાબહેનના દિયર પુષ્પેન્દ્રભાઇ અને તેમના મિત્ર બિપીનભાઇએ ડોનેટ લાઇફના પ્રમુખ નિલેશ માંડલેવાળાનો સંપર્ક કરીને અંગદાનની પ્રક્રિયા સમજવા તેઓને હોસ્પિટલ આવવા જણાવ્યું હતું. ડોનેટ લાઇફની ટીમે હોસ્પિટલ પહોંચીને ઇલાબહેનનાં પુત્રો તનવીર અને આર્યન તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્ત્વ સમજાવતાં પરિજનો અંગદાન માટે સંમત થયાં હતાં.
ઈલાબહેનનાં અંગદાનથી સાત વ્યકિતઓને નવું જીવન મળ્યું છે. સુરતથી ચેન્નાઇ સુધીનું ૧૬૧૦ કિ.મીનું અંતર ૧૮૦ મિનિટમાં કાપીને મહિલાના હ્રદયનું ટ્રાન્સપ્લાન્ટ દિલ્હીની ૧૫ વર્ષીય વિદ્યાર્થિનીમાં તેમજ ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઇનાં ૬૧ વર્ષીય મહિલામાં ચેન્નાઇની હોસ્પિટલમાં કરાયું હતું.
બંને કિડની પૈકી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતમાં ૧૮ વર્ષીય યુવકમાં અને બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ આણંદની ૧૮ વર્ષીય યુવતીમાં કરાયું હતું. લિવરનું ટ્રાન્સપ્લાન્ટ સુરતની ૫૪ વર્ષીય વ્યક્તિમાં કરવામાં આવ્યું હતું.