સુરતઃ કાપોદ્રામાં રહેતી ૨૧ વર્ષની યુવતીએ પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી પર તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કરતી અરજી કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં કરી છે. યુવતીએ જણાવ્યું છે કે જયંતી ભાનુશાળીએ અમદાવાદની ફેશન ડિઝાઇનિંગ કોલેજમાં એડમિશન અપાવવાના બહાને તેને ગાંધીનગર બોલાવી દુષ્કર્મ આચર્યું હતું. કોપાદ્રામાં યોગીચોક વિસ્તારમાં રહેતી ૨૧ વર્ષીય રીતુ (નામ બદલ્યું છે)એ ૧૦મી જુલાઈના રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં જયંતી પરષોત્તમ ભાનુશાળી વિરુદ્ધ અરજી આપી છે. અરજી અનુસાર રસ્તામાં કાર થોભાવીને જયંતી ભાનુશાળીએ તેની પર દુષ્કર્મ કર્યું હતું. યુવતીએ જણાવ્યું છે કે જ્યારે ભાનુશાળી તેની પર બળાત્કાર ગુજારી રહ્યા હતા ત્યારે તેમની સાથેના એક માણસે આ ઘટનાનો વીડિયો ઉતારી લીધો હતો. તે વીડિયોના આધારે તેઓ યુવતીને બ્લેકમેલ કરીને વારંવાર શરીર સંબંધ બાંધવા મજબૂર કરતા હતા. આરોપ લાગ્યા બાદ ભાનુશાળીએ રાજીનામું આપી દીધું છે.