સુરતની રઘુવીર માર્કેટમાં આગઃ આશરે રૂ. ૩૦ કરોડનું નુક્સાન

Tuesday 21st January 2020 06:19 EST
 
 

સુરતઃ રઘુવીર સિલિયમ માર્કેટમાં ૨૧મી જાન્યુઆરીની રાત્રે ૩.૦૦ વાગે ભીષણ આગ ફાટી નીકળી હતી જે ધીરે ધીરે વિકરાળ બની હતી. ગ્રાઉન્ડ ફ્લોર પરના જનરેટરમાંથી આગ લાગ્યાનું અનુમાન લગાવાયું છે. દુકાનોમાં લગાવવામાં આવેલા એસીના કમ્પ્રેસર ફાટવાના કારણે આગ વધુ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે. ઉલ્લેખનીય છે કે આ માર્કેટ સુરત મહાપાલિકાની હદની બહાર આવેલું છે અને માર્કેટની ત્રણ વિંગમાં કુલ ૮૦૦થી વધુ દુકાન આવેલી છે. માર્કેટની એ વિંગમાં આગ લાગી હતી. એ વિંગમાં અંદાજિત ૧૨૦ દુકાન છે અને ૭૦ ટકા જેટલી દુકાનોમાં કાપડનો માલ ભરેલો રહે છે. ઉલ્લેખનીય છે કે આ ઘટનાના દસ દિવસ પહેલાં ૮મી જાન્યુઆરીએ પણ માર્કેટમાં આગ લાગી હતી.
ત્રણ માળ બળીને ખાખ
આ આગને બુઝાવવા ૭૦થી વધુ ફાયર વિભાગની ગાડીઓ, ૪ હાઈડ્રોલિક ફાયર ફાઈટર, ૨ બુમ બ્રાઉઝર, ૩ હાઇડ્રોલિક પ્લેટફોર્મ, ૩ હાઈડ્રોલિક ફુવારા, લાખો લીટર પાણી સહિતના સાધનોની મદદ લેવામાં આવી હતી. આગ લાગ્યાના ૧૫ કલાકથી વધુ સમય છતાં આગ પર કાબૂ મેળવી શકવામાં મુશ્કેલી સર્જાઈ હતી. ત્યાં સુધીમાં બ્લિડીંગના ગ્રાઉન્ડ ફ્લોર, પહેલો અને બીજો માળ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા તેમજ ચોથા અને પાંચમા માળે પણ ઘણું નુક્સાન થયું હતું. આ આગથી આશરે રૂ. ૩૦ કરોડથી વધુનું નુક્સાન થઈ ચૂક્યું હોવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે.
ડે. કમિશનર સહિતનો સ્ટાફ સ્થળે
આગની જાણ થતાં જ સુરત ઉપરાંત ખાનગી કંપનીની ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. આ આગને બુઝાવવા માટે એનડીઆરએફ અને સીઆઈએફસીની મદદ પણ લેવાઈ હતી. આ ઉપરાંત સુરત મહાપાલિકાના ડેપ્યુટી કમિશનરને ઘટનાની જાણ થતાં તેઓ, અન્ય અધિકારીઓ, આગેવાનો અને સ્થાનિકો પણ ઘટનાસ્થળે મદદ માટે દોડી આવ્યા હતા.
આગ શાથી વિકરાળ?
• રઘુવીર ડેવલપર્સ દ્વારા આ માર્કેટ બનાવાઈ છે. એ બી વાઘણી રઘુવીર સિલિયમ માર્કેટના આર્કિટેક્ટ છે અને બાંધકામની મંજૂરી સુરત અર્બન ડેવલપમેન્ટ (સુડા) દ્વારા આપવામાં પણ આવી હતી.
• બિલ્ડીંગમાં વેન્ટિલેશનના અભાવે આગ વિકરાળ બની હોવાનું કહેવાય છે.
• એલિવેશનની અસુવિધાને કારણે ફાયર ટીમને ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
સળગતા સવાલ
• સુરત માર્કેટમાં દસ જ દિવસમાં બીજી વખત આગનો બનાવ ક્યારે અટકશે અગ્નિકાંડ? • ઘટના પાછળ બેદરકારી અને જવાબદારી કોની? • આગની વધતી ઘટના પાછળ નિયમોની અવગણના? વેપારીઓ સુરક્ષાને અવગણે છે? • આગ પર કાબૂ મેળવવા કોમ્પલેક્ષમાં વ્યવસ્થા હતી? કોમ્પલેક્ષમાં ફાયર સેફ્ટીના પૂરતા
સાધનો હતા?


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter