સુરતઃ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર વિભાગની વિદ્યાર્થિની તેજલ રાવલે સ્ટાર મેન્યુપ્લેટર ફ્યુઅલલેસ એસએમએ (શેપ મેમરી એલોય) એન્જિનનું સંશોધન કરવાની સાથે સાથે આ શોધના પેટન્ટ રજિસ્ટર કરાવ્યા છે. એન્જિન ફ્યુઅલલેસ હોવાથી ઓટોમોબાઈલ ક્ષેત્રે તેનો મહત્તમ લાભ લઈ શકાશે.
નર્મદ યુનિ.ના ભૌતિકશાસ્ત્ર વિભાગના પ્રાધ્યાપક ડો. ઈશ્વર પટેલના માર્ગદર્શનમાં ડો. તેજલ રાવલે ૨૧મી સદીના ટેકનોલોજીના યુગમાં નિટીનોલ નામના સ્માર્ટ મટિરિયલનું સંશોધન કર્યું છે. જેના થકી સ્ટાર મેન્યુપ્લેટર ફ્યુલલેસ એસએમએ એન્જિનનું સંશોધન તેણે કર્યું છે.
બે ધાતુનો ઉપયોગ
ડો. તેજલે પોતાની શોધ અંગે જણાવ્યું કે જે ફ્યુઅલલેસ એન્જિન બનાવાયું છે તે ઓટોમાબાઈલ ક્ષેત્રે ક્રાંતિ લાવશે. એન્જિનની પેટન્ટ પરથી બાઈક, કાર કે પછી ટ્રકને અનુરૂપ એન્જિન ડેવલપ કરાય તો ફ્યુલની જરૂર પડશે નહીં. આજકાલ ફ્યુલના ભાવ સતત વધી રહ્યા છે તેવા સંજોગોમાં ફ્યુલલેસ એન્જિન અત્યંત મહત્ત્વનું સાબિત થશે અને તેનો મહત્તમ લોકો લાભ ઊઠાવી શકશે.
વધતા ભાવ સામે ફાયદો
આ અંગે ડો. ઈશ્વર પટેલે જણાવ્યું હતું કે, ડો. તેજલે કરેલા ફ્યુઅલલેસ એન્જિનનું સંશોધન પેટ્રોલ, ડિઝલ અને સીએનજી સહિતના ફ્યુઅલના વધતા ભાવો સામે ઓટોમોબાઈલ ક્ષેત્ર માટે અત્યંત મહત્ત્વનું સાબિત થઈ શકશે. ડો. તેજલે સંશોધન કરેલા ફ્યુલલેસ એન્જિનની પેટન્ટ રજિસ્ટર કરાવાઈ છે અને આગામી દિવસોમાં તેને ઈન્ટરનેશનલ જર્નલમાં પણ પ્રસિદ્ધ કરાશે.
ફ્યુઅલલેસ એન્જિન
નિકલ અને ટીટેનિયમના મિશ્રણથી તૈયાર કરાયેલા સ્માર્ટ મટિરિયલ ‘નિટીનોલ’થી એન્જિન તૈયાર કરાયું છે. જેમાં બેટરી ઉપરાંત નિટીનોલથી બનેલા સ્ટાર શેપડ શેપ મેમેરી મેન્યુપ્લેટર, થર્મો ઈલેકટ્રીક જનરેટર તથા પિસ્ટન લગાવાયા છે. મેન્યુપ્લેટર અપડાઉન થશે. જેમાંથી ગરમી ઉત્પન્ન થશે અને તે થર્મો ઈલેકટ્રીક જનરેટરમાં વિદ્યુતમાં કન્વર્ટ થઈ બેટરીમાં જશે અને તે બેટરીમાં સ્ટોર થશે. જે પુનઃ રોટેશન કરશે જેથી વિદ્યુત ઉત્પન્ન થવાની પ્રક્રિયા સતત ચાલુ રહેશે.