સુરતઃ ૧ ઓક્ટોબરથી સુરતથી દિલ્હી વચ્ચે એર ઈન્ડિયાનું ૧૬૮ બેઠકોવાળું વિમાન શરૂ કરવા શહેરના ઉદ્યોગકારો દ્વારા રૂ. ત્રણ કરોડની બેંક ગેરંટી આપવાની તૈયારી દર્શાવી છે. આ માટે એર ઈન્ડિયાના ઉચ્ચ અધિકારીઓની આઠ સભ્યોની ટીમ સુરત આવી હતી અને તેમણે શહેરના આગેવાનો સાથે ચર્ચા કરી હતી. આ બેઠકમાં ૧૧૮ બેઠકનું બુકીંગ કરાવનારને રૂ. ૪૫૦૦નું ભાડું નક્કી કરાયું હતું. અત્યારે સુરત દિલ્હીને જોડતી એર ઈન્ડિયાની ૭૨ બેઠકનું વિમાન સવારે ઉડે છે. દિલ્હી અને મુંબઈથી એર ઈન્ડિયાના કોમર્શિયલ ડાયરેક્ટર શંકર શ્રીવાસ્તવ, સેલ્સ એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર પંકજકુમાર સહિતના અધિકારીઓ સુરત આવ્યા હતા અને સુરતમાં સાંસદ સી. આર. પાટીલના કાર્યાલયમાં બેઠક કરી હતી.
સતત ચાર કલાક ચાલેલી બેઠકમાં ૧૬૮ સીટમાંથી શરૂઆતની ૧૧૮ સીટ માટે બેંક ગેરંટી આપવા સચિન અને પાંડેસરના ઉદ્યોગકારોએ તૈયારી બતાવી હોવાનું જાણવા મળ્યું હતું. ૧ ઓક્ટોબરથી ફ્લાઈટ શરૂ કરવા બંને પક્ષે સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા.